'ભૂત બંગલા'નું જબરજસ્ત ટ્રેલર રિલીઝ: અક્ષય કુમાર અને પ્રિયદર્શનની જોડીએ મચાવી ધમાલ!
બોલિવૂડના 'ખિલાડી' અક્ષય કુમાર અને દિગ્દર્શક પ્રિયદર્શનની બ્લોકબસ્ટર જોડી લાંબા સમય બાદ મોટા પડદા પર પરત ફરી રહી છે. તેમની આગામી મોસ્ટ અવેટેડ હોરર-કોમેડી ફિલ્મ ‘ભૂત બંગલા’નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે, જેણે રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મ દ્વારા અક્ષય અને પ્રિયદર્શનની જોડી પૂરા 14 વર્ષ પછી સાથે કામ કરી રહી છે. રિલીઝ થયેલા ટ્રેલરની શરૂઆત એક રહસ્યમયી હવેલીથી થાય છે, જેમાં અક્ષય કુમાર પોતાના જૂના અને લોકપ્રિય કોમિક અંદાજમાં જોવા મળે છે.
અક્ષયના ડાયલોગ્સ અને બોડી લેંગ્વેજ ફરી એકવાર ‘ભૂલભુલૈયા’ અને ‘ગરમ મસાલા’ જેવી ફિલ્મોની યાદ અપાવે છે. ટ્રેલરમાં સસ્પેન્સની સાથે ખડખડાટ હસાવતી કોમેડીનો શાનદાર સમન્વય જોવા મળે છે. આ ફિલ્મની સૌથી મોટી ખાસિયત તેની સ્ટાર કાસ્ટ છે. અક્ષય કુમારની સાથે પરેશ રાવલ અને રાજપાલ યાદવની આઈકોનિક ત્રિપુટી ફરી એકવાર સાથે જોવા મળશે. આ ઉપરાંત દિવંગત અભિનેતા અસરાનીનો ક્લાસિક અંદાજ ટ્રેલરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. સહાયક ભૂમિકામાં વામિકા ગબ્બી, તબ્બુ, જિશુ સેનગુપ્તા અને મિથિલા પાલકર જેવા દિગ્ગજ કલાકારો પણ મહત્વના રોલમાં જોવા મળશે.
પ્રિયદર્શન અને અક્ષય કુમારે અત્યાર સુધીમાં ‘હેરા ફેરી’, ‘ગરમ મસાલા’, ‘ભાગમ ભાગ’, ‘ભૂલભુલૈયા’ અને ‘દે ધના ધન’ જેવી 6 સુપરહિટ ફિલ્મો આપી છે. વર્ષ 2007 માં આવેલી ‘ભૂલભુલૈયા’ બાદ ફરી એકવાર આ જોડી હોરર-કોમેડી જોનર સાથે ઇતિહાસ રચવા તૈયાર છે. ‘ભૂત બંગલા’ મૂવી 10 એપ્રિલ, 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. અક્ષય કુમારના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે આ ફિલ્મ ઉપરાંત ‘વેલકમ ટૂ ધ જંગલ’ અને ‘હૈવાન’ જેવી ફિલ્મો પર પણ કામ કરી રહ્યો છે. ટ્રેલરના પ્રતિસાદને જોતા આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.