April 1, 2026
ગુજરાત

શું આ જ છે ખેતીની હાલત? 6 રૂપિયે કિલો ટામેટા વેચીને પરિવાર કેમ ચલાવવો? છોટાઉદેપુરના ખેડૂતોનો આર્તનાદ

01:04:00 PM
Save
Mar 25, 2026
Share :
<p>શું આ જ છે ખેતીની હાલત? <span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>6 રૂપિયે કિલો ટામેટા વેચીને પરિવાર કેમ ચલાવવો? </strong></span>છોટાઉદેપુરના ખેડૂતોનો આર્તનાદ</p>

છોટાઉદેપુર જિલ્લાના ટામેટા પકવતા ખેડૂતો હાલમાં અત્યંત કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. એકતરફ કુદરતી આફતોએ પાકને નુકસાન પહોંચાડ્યું છે, તો બીજી તરફ બજારમાં મળતા તળિયાના ભાવને કારણે ખેડૂતો દેવાદાર બનવાની સ્થિતિમાં આવી ગયા છે. જિલ્લામાં ટામેટાના ભાવ ઘટીને કિલો દીઠ માત્ર 6 થી 7 રૂપિયા થઈ જતા ખેડૂતોમાં ભારે આક્રોશ અને ચિંતા જોવા મળી રહી છે. તાજેતરમાં આવેલા વાવાઝોડા અને પ્રતિકૂળ હવામાનને કારણે ટામેટાના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે.

પવનના જોરને કારણે ટામેટાના છોડ વજનથી નમી પડ્યા છે, જેનાથી ફળ બગડવાની શરૂઆત થઈ છે. લાખો રૂપિયાનો ખર્ચ કરીને તૈયાર કરેલો પાક હવે ખેતરમાં જ નાશ પામી રહ્યો છે, જે ખેડૂતો માટે પડ્યા પર પાટું સમાન સાબિત થયું છે. બજારમાં ટામેટાના ભાવ એટલા નીચા છે કે ખેડૂતોને પાક ઉતારવા માટેનો મજૂરી ખર્ચ (તોડામણ) કાઢવો પણ મુશ્કેલ બની રહ્યો છે. ખાતર, બિયારણ અને દવાનો ખર્ચ તો દૂરની વાત છે, પરંતુ ખેતરમાંથી માર્કેટ સુધી માલ પહોંચાડવાનું ભાડું પણ ખિસ્સામાંથી ભોગવવું પડે તેવી સ્થિતિ છે.

આ લાચારીને કારણે કેટલાક ખેડૂતો હવે ટામેટાના છોડ ઉખેડી નાખવાનું મન બનાવી રહ્યા છે. ખેડૂતોનો ગંભીર આક્ષેપ છે કે છોટાઉદેપુર જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા બાગાયતી ખેતીમાં થયેલા નુકસાનનો કોઈ પણ પ્રકારનો સર્વે કરવામાં આવતો નથી. પાક નિષ્ફળ ગયો હોવા છતાં સરકારી અધિકારીઓ નુકસાનીની ગણતરી કરવા માટે ખેતરો સુધી પહોંચવાની તસ્દી લેતા નથી. વળતરની આશાએ બેઠેલા ખેડૂતો તંત્રની આ નિરસતાથી અત્યંત નિરાશ થયા છે.જિલ્લામાં પૂરતી સુવિધાઓના અભાવે ખેડૂતોની હાલત વધુ કફોડી બની છે.

છોટાઉદેપુરમાં એક પણ જગ્યાએ કોલ્ડ સ્ટોરેજની સુવિધા નથી. આ સુવિધા ન હોવાને કારણે ખેડૂતો પાકનો સંગ્રહ કરી શકતા નથી અને માલ તૈયાર થતા જ મજબૂરીમાં વેપારીઓ જે ભાવ આપે તે ભાવે વેચવો પડે છે. ખેડૂતો વર્ષોથી APMC સેન્ટરોમાં કોલ્ડ સ્ટોરેજની માંગ કરી રહ્યા છે, પરંતુ પરિણામ શૂન્ય રહ્યું છે. ખેતી પાછળ લીધેલી લોન અને વ્યાજની રકમ ચૂકવવી હવે ખેડૂતો માટે અશક્ય બની રહી છે. જો આગામી દિવસોમાં ભાવમાં સુધારો નહીં થાય, તો જિલ્લાના સેંકડો ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ જશે.

પરિવારનું ગુજરાન ચલાવવું પણ હવે આ ખેડૂતો માટે પડકારજનક બની ગયું છે.છોટાઉદેપુરના ખેડૂતોએ સરકાર પાસે માંગ કરી છે કે વહેલી તકે નુકસાનીનો સર્વે કરી યોગ્ય વળતર જાહેર કરવામાં આવે. જો તંત્ર દ્વારા આ બાબતે ત્વરિત પગલાં લેવામાં નહીં આવે, તો ખેડૂતો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી રહ્યા છે. ખેતીને બચાવવા માટે કોલ્ડ સ્ટોરેજ જેવી માળખાગત સુવિધાઓ આપવી હવે અનિવાર્ય બની ગઈ છે.