વ્યાજનું વિષચક્ર: 30 હજાર સામે 13 લાખ વસૂલ્યા તોય વ્યાજખોર ન ધરાયો, ધોકા વડે વેપારી પર કર્યો હુમલો

વ્યાજનું વિષચક્ર કેવું જીવલેણ હોઈ શકે છે તેનો જીવતો જાગતો પુરાવો અમદાવાદમાં જોવા મળ્યો છે. સોલર સિસ્ટમનો વ્યવસાય કરતા એક વેપારીને ધંધા માટે નાણાંની જરૂર પડી જે તેમના માટે નર્ક સમાન સાબિત થઈ. માસિક 10 ટકા જેવા પઠાણી વ્યાજની ઉઘરાણી કરીને વ્યાજખોરે મૂળ રકમ કરતા 43 ગણી રકમ વસૂલી લીધી હોવા છતાં, વધુ 4 લાખ માટે વેપારીને લોહીલુહાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી છે અમદાવાદ શહેરમાં વ્યાજખોરીના દૂષણને નાબૂદ કરવા માટે પોલીસની કડક ઝુંબેશ વચ્ચે પણ વ્યાજખોરો બેફામ બન્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
નારણપુરા વિસ્તારમાં સોલર સિસ્ટમનો વ્યવસાય કરતા 55 વર્ષીય જયેશભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, નવેમ્બર 2024માં ધંધા માટે નાણાંની જરૂર પડતા તેમણે ચેહરભાઈ ઉર્ફે લાભુભાઈ રબારી પાસેથી 1.5 ટકા વ્યાજે 30 હજાર રૂપિયા લીધા હતા. જોકે, ટૂંક સમયમાં જ વ્યાજખોરે વ્યાજનો દર વધારીને માસિક 10 ટકા કરી દીધો હતો અને સિક્યોરિટીના નામે વેપારી પાસેથી અનેક સહી કરેલા કોરા ચેક અને પ્રોમિસરી નોટ પડાવી લીધી હતી. વેપારીએ આર્થિક તંગી વચ્ચે કટકે-કટકે મુદ્દલ અને વ્યાજ પેટે અત્યાર સુધીમાં કુલ 13 લાખ રૂપિયાની ચુકવણી કરી દીધી હતી.
આમ છતાં, આરોપી લાભુભાઈની ભૂખ સંતોષાઈ નહોતી અને તે વધુ 4.10 લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતો હતો. નાણાં ન આપવા બદલ વ્યાજખોરે વેપારીને ફોન પર બિભત્સ ગાળો આપી હતી અને રૂબરૂ મુલાકાત દરમિયાન શારીરિક હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી લાભુભાઈ પાસે નાણાં ધીરધારનું કોઈ કાયદેસરનું લાયસન્સ નથી.
તે પાન પાર્લર અને જાહેર રસ્તાઓ પર બેસીને ગેરકાયદે રીતે ઊંચા વ્યાજે નાણાં આપવાનો ધંધો કરે છે. વેપારીએ બેંક ટ્રાન્ઝેક્શન અને પુરાવા રજૂ કર્યા બાદ પોલીસે ગુનો દાખલ કર્યો છે. નવરંગપુરા પોલીસે આ મામલે આરોપી ચેહરભાઈ ઉર્ફે લાભુભાઈ રબારી વિરુદ્ધ છેતરપિંડી, મારપીટ, જાનથી મારી નાખવાની ધમકી અને ‘ગુજરાત નાણાં ધીરનાર અધિનિયમ’ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.