ડેટિંગ એપ પર 'દિલ' આપવું પડ્યું મોંઘું: અમદાવાદના મેનેજરને યુવતીએ પ્રેમની જાળમાં ફસાવી ₹56 લાખ ખંખેર્યા!
અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા અને એક જાણીતી ફાર્મા કંપનીમાં ડેપ્યુટી મેનેજર તરીકે ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતા 40 વર્ષીય યુવક માટે ડેટિંગ એપ પરની મિત્રતા આશીર્વાદને બદલે શ્રાપ સાબિત થઈ છે. છેલ્લા પાંચ વર્ષથી 'ટિન્ડર' એપ્લિકેશનનો ઉપયોગ કરતા આ યુવકનો સંપર્ક 'આરોહી ગુપ્તા' નામની યુવતી સાથે થયો હતો. શરૂઆતમાં સામાન્ય લાગતી આ વાતચીત ધીમે ધીમે ગાઢ મિત્રતામાં પરિવર્તિત થઈ હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય યુવકનો વિશ્વાસ જીતીને તેને આર્થિક જાળમાં ફસાવવાનો હતો. યુવતીએ વિશ્વાસ જીત્યા બાદ યુવકને કરન્સી ટ્રેડિંગના વ્યવસાયમાં રોકાણ કરીને રાતોરાત લાખોનો નફો કમાવવાની લાલચ આપી હતી.
યુવતીની મીઠી વાતોમાં આવી જઈને યુવકે એક અજાણી ટ્રેડિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી, શરૂઆતમાં વિશ્વાસ બેસાડવા માટે યુવકે 40 હજાર રૂપિયા જમા કરાવ્યા હતા, જેની સામે તેને તુરંત 43 હજારથી વધુનું બેલેન્સ અને નફો એપમાં દેખાડવામાં આવ્યો હતો. આ નાનકડા નફાએ યુવકને મોટી રકમ રોકવા માટે પ્રોત્સાહિત કર્યો હતો. એપમાં નફો દેખાતો હોવાથી યુવકને એપ્લિકેશન અને યુવતી પર પૂરેપૂરો ભરોસો બેસી ગયો હતો. પરિણામે, તેણે પોતાની જિંદગીની જમાપુંજીમાંથી કટકે-કટકે કુલ 35,40 લાખ રૂપિયા આ એપ્લિકેશનમાં રોકી દીધા હતા.
ગઠિયાઓએ આભાસી દુનિયા ઊભી કરીને યુવકને તેના રોકાણ સામે 1.24 કરોડ રૂપિયાનો જંગી નફો થતો હોવાનું મોબાઈલ સ્ક્રીન પર દર્શાવ્યું હતું. આ આંકડો જોઈને યુવક વધુ રોકાણ કરવા માટે પ્રેરાયો હતો. અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે આ મામલે છેતરપિંડી અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ હાલમાં જે બેંક એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર થયા છે તેની વિગતો અને આભાસી એપ્લિકેશનના આઈપી એડ્રેસના આધારે આરોપીઓ સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે. આ કિસ્સો ઓનલાઈન ડેટિંગ એપ વાપરતા લોકો માટે લાલબત્તી સમાન છે, અજાણી વ્યક્તિની વાતોમાં આવીને નાણાકીય રોકાણ કરવું કેટલું જોખમી સાબિત થઈ શકે છે.