ઈરાનની ડેડલાઈન: ખાડી દેશોને ચેતવણી, અમેરિકી સૈનિકોને આશરો આપવો ભારે પડશે!
ઈઝરાયલ અને અમેરિકા સાથે ચાલી રહેલા ભીષણ સંઘર્ષ વચ્ચે ઈરાને ખાડી દેશોને અત્યંત ગંભીર 'ડેથ' અલ્ટીમેટમ આપ્યું છે. ઈરાને બહેરીન અને સંયુક્ત આરબ અમીરાતના હોટેલ માલિકોને ચેતવણી આપી છે કે જો તેઓ અમેરિકન સૈનિકોને પોતાની હોટલોમાં આશરો આપશે, તો તેમની મિલકતો ઈરાની સેના માટે કાયદેસરના લશ્કરી લક્ષ્યો ગણાશે અને તેને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. ઈરાનનું કહેવું છે કે આ ચેતવણી એ તમામ ઠેકાણાઓ પર લાગુ પડે છે જે વિદેશી સૈનિકોને આશ્રય આપે છે.
જો આવી ગતિવિધિઓ ચાલુ રહેશે, તો આ ચેતવણીનો અમલ તત્કાલ અસરથી કરવામાં આવશે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકન સૈનિકોએ નાગરિક સ્થળો પર પોતાની હાજરી વધારી દીધી છે, જેમાં બેરૂત અને દમાસ્કસની જાણીતી ફોર સીઝન્સ અને શેરેટોન જેવી લક્ઝરી હોટલોનો પણ સમાવેશ થાય છે. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ આરોપ લગાવ્યો છે કે અમેરિકન સૈનિકો પોતાના સુરક્ષિત સૈન્ય મથકો છોડીને હવે નાગરિક વિસ્તારો અને ઓફિસોમાં છુપાઈ રહ્યા છે.
ખાડી દેશોના નિર્દોષ નાગરિકોનો 'માનવ ઢાલ' તરીકે ઉપયોગ કરી રહ્યા છે જેથી ઈરાની હુમલાઓથી બચી શકાય. અરાઘચીએ આ સ્થિતિને અત્યંત જોખમી ગણાવી છે. અરાઘચીએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે યુદ્ધની શરૂઆતથી જ અમેરિકી મરીન સૈનિકો ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના સૈન્ય ઠેકાણાઓથી ભાગીને સામાન્ય જનતાની વચ્ચે હોટલોમાં આશરો લઈ રહ્યા છે. આ સંઘર્ષમાં ઈરાનના તત્કાલીન સુપ્રીમ લીડર અલી ખામેનેઈ અને અનેક વરિષ્ઠ લશ્કરી કમાન્ડરો માર્યા ગયા છે. પોતાના સર્વોચ્ચ નેતૃત્વને ગુમાવ્યા બાદ ઈરાન હવે અત્યંત આક્રમક બન્યું છે
અમેરિકાના સાથી દેશો પર દબાણ વધારવા માટે આવી આકરી ધમકીઓ આપી રહ્યું છે,ઈરાનની આ ધમકી બાદ ખાડી દેશોમાં ભારે ફફડાટ અને સુરક્ષા સંબંધી ચિંતાઓ વધી ગઈ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે એવો ડર સેવાઈ રહ્યો છે કે જો ઈરાન નાગરિક હોટલો પર હુમલો કરશે, તો મિડલ ઈસ્ટમાં સ્થિતિ કાબૂ બહાર જઈ શકે છે અને તે ત્રીજા વિશ્વયુદ્ધ તરફ દોરી શકે છે. હાલમાં તમામ ખાડી દેશો હાઈ એલર્ટ પર છે અને આંતરરાષ્ટ્રીય સમુદાય આ તણાવ ઘટાડવા પ્રયત્નશીલ છે.