રાજકોટમાં લગ્નનું વચન આપી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું, બાદમાં નરાધમ બોલ્યો- "હું તો પરણેલો છું"
રાજકોટ શહેરના માંડાડુંગર વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને લજવનારી ઘટના સામે આવી છે. મોબાઈલની દુકાન ધરાવતા એક શખ્સે 20 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. નરાધમે યુવતીને પોતાના સબંધીના ઘરે લઈ જઈ એક જ રાતમાં ચાર વખત દુષ્કર્મ આચરી તેનું શારીરિક શોષણ કર્યું હતું. આ મામલે ભોગ બનનાર યુવતીએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી રાજકોટમાં મોબાઈલની દુકાન ચલાવે છે. ભોગ બનનાર યુવતી જ્યારે રસ્તા પરથી પસાર થતી હતી ત્યારે આ શખ્સે તેની સાથે વાતચીત કરી ઓળખાણ કેળવી હતી. ધીરે ધીરે તેને વિશ્વાસમાં લઈને પ્રેમજાળમાં ફસાવી હતી. આરોપીએ યુવતીને લગ્ન કરવાનું વચન આપ્યું હતું અને પોતે કુંવારો હોવાનું જણાવી યુવતીનો વિશ્વાસ જીતી લીધો હતો. ગઈકાલે આરોપી યુવતીને બહાના હેઠળ પોતાના એક સબંધીના ઘરે લઈ ગયો હતો. ત્યાં કોઈ હાજર ન હોવાનો લાભ ઉઠાવી નરાધમે યુવતી પર બળજબરી કરી હતી.
યુવતીએ પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લગ્નની લાલચ આપી અને ડરાવી-ધમકાવીને આરોપીએ આખી રાત દરમિયાન ચાર વખત દુષ્કર્મ આચર્યું હતું. યુવતીની લાચારીનો ફાયદો ઉઠાવી તેણે હવસનો શિકાર બનાવી હતી. સૌથી વધુ આઘાતજનક વળાંક ત્યારે આવ્યો જ્યારે હવસ સંતોષાયા બાદ આરોપીએ પોતાનું અસલી રૂપ બતાવ્યું હતું. સવારે યુવતીએ જ્યારે લગ્ન કરવા બાબતે દબાણ કર્યું, ત્યારે આરોપીએ નિર્લજ્જતાથી જણાવ્યું હતું કે, "હું તો પહેલેથી જ પરિણીત છું અને તારી સાથે લગ્ન કરી શકું તેમ નથી." આટલું કહીને તેણે યુવતીને તરછોડી દીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે.