‘માત્ર અમારા નાવિકો માર્યા ગયા’, ઈરાન યુદ્ધ પર 60 દેશોની બેઠકમાં બોલ્યું ભારત
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાની માંગ કરતા ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત અવાજ ઉઠાવ્યો છે. વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ બ્રિટન દ્વારા આયોજિત 60થી વધુ દેશોની વર્ચ્યુઅલ બેઠકમાં કહ્યું કે, “આ સંઘર્ષમાં જળમાર્ગ પર પોતાના નાગરિકોને ગુમાવનાર ભારત એકમાત્ર દેશ છે.”
બેઠકમાં ભારતની ભાગીદારી
બ્રિટનની પહેલ પર આયોજિત આ વર્ચ્યુઅલ બેઠકમાં 60થી વધુ દેશોએ ભાગ લીધો હતો. વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ ભારત તરફથી પ્રતિનિધિત્વ કર્યું. બેઠકનો મુખ્ય અજેન્ડા હોર્મુઝ સ્ટ્રેટમાં સુરક્ષિત અને મુક્ત નૌવહન (ફ્રી શિપિંગ) સુનિશ્ચિત કરવાનો હતો, જેના કારણે વૈશ્વિક તેલની કિંમતો આસમાને પહોંચી ગઈ છે.
વિદેશ મંત્રાલયના નિવેદનમાં જણાવાયું છે કે, વિક્રમ મિસ્રીએ આંતરરાષ્ટ્રીય જળમાર્ગોમાં સ્વતંત્ર નૌવહનના સિદ્ધાંત પર ભાર મૂક્યો હતો. તેમણે ભારતની ઊર્જા સુરક્ષા પર પડી રહેલા સંકટની અસરને પણ રેખાંકિત કરી.
ભારત એકમાત્ર દેશ જેણે ગુમાવ્યા પોતાના નાવિકો
વિદેશ સચિવે બેઠકમાં સ્પષ્ટ કર્યું કે, હોર્મુઝ વિસ્તારમાં વેપારી જહાજો પર થયેલા હુમલાઓમાં નાવિકોને ગુમાવનાર ભારત અત્યાર સુધીનો એકમાત્ર દેશ છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ અનુસાર, વિદેશી ઝંડાવાળા જહાજો પર સવાર ઓછામાં ઓછા ત્રણ ભારતીય નાવિકો માર્યા ગયા છે અને એક ઘાયલ થયો છે. અમુક જહાજો હજુ પણ સ્ટ્રેટમાં ફસાયેલા છે.
મિસ્રીએ કહ્યું કે, વિસ્તારમાં અસ્થિરતાની સીધી અસર ભારતની ઊર્જા સુરક્ષા પર પડી રહી છે. ભારત વિશ્વના સૌથી મોટા ક્રૂડ ઓઈલ આયાતકારોમાંનું એક છે અને પશ્ચિમ એશિયાની ઘટનાઓ દેશની અર્થવ્યવસ્થાને અસર કરી રહી છે.
કૂટનીતિ જ એકમાત્ર રસ્તો: ભારત
વિદેશ સચિવે જણાવ્યું કે, આ સંકટમાંથી બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો તનાવ ઘટાડવો અને તમામ પક્ષો વચ્ચે કૂટનીતિ તેમજ સંવાદ છે. તેમણે કહ્યું કે તમામ સંબંધિત પક્ષોએ સંવાદના માર્ગે પાછા ફરવું જોઈએ. ભારતે વારંવાર ભાર મૂક્યો છે કે વાણિજ્યિક જહાજો પર હુમલા અસ્વીકાર્ય છે અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગોમાં સ્વતંત્ર આવાગમન સુનિશ્ચિત કરવું જરૂરી છે.
ખાડી દેશોમાં લગભગ એક કરોડ ભારતીય નાગરિકો વસવાટ કરે છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે તમામ ભારતીયો સુરક્ષિત છે અને ભારતીય દૂતાવાસો તેમની સાથે સતત સંપર્કમાં છે. અત્યાર સુધી આ સંઘર્ષમાં આઠ ભારતીયોના મોત થયા છે અને એક વ્યક્તિ લાપતા છે.