રીત પડ્ડાએ ‘ધુરંધર 2’ વિશે શું કહ્યું કે લોકો લાલઘૂમ થઈ ગયા? છેવટે એકાઉન્ટ કરવું પડ્યું પ્રાઇવેટ!
સોશિયલ મીડિયા પર પોતાની નિડર રજૂઆત માટે જાણીતી અને અભિનેત્રી અનીત પડ્ડાની બહેન રીત પડ્ડા અત્યારે મુશ્કેલીમાં મુકાઈ છે. રણવીર સિંહની આગામી ફિલ્મ ‘ધુરંધર 2’ (ધુરંધર: ધ રિવેન્જ) વિશે કરેલી એક વિવાદાસ્પદ ટીપ્પણી રીત પડ્ડાને એટલી ભારે પડી કે તેને ટ્રોલ્સના ડરથી પોતાના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ રાતોરાત ‘પ્રાઇવેટ’ કરવાની ફરજ પડી છે. ફિલ્મને “પ્રોપોગ્રેન્ડા” ગણાવતી તેની પોસ્ટ વાયરલ થતા જ નેટિઝન્સ અને રણવીર સિંહના ચાહકો લાલઘૂમ થઈ ગયા હતા, જેના પરિણામે સોશિયલ મીડિયા પર એક મોટો વિવાદ છેડાઈ ગયો છે.
પોસ્ટ શેર કર્યાના થોડા જ સમયમાં રીત પડ્ડા સોશિયલ મીડિયા પર ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ હતી,યુઝર્સે તેમની આ ટિપ્પણી સામે સખત વાંધો ઉઠાવ્યો અને નકારાત્મક કોમેન્ટ્સનો મારો ચલાવ્યો હતો. સ્થિતિ એટલી હદે વણસી ગઈ કે રીત પડ્ડા માટે આ માનસિક દબાણ સહન કરવું મુશ્કેલ બની ગયું હતું. સતત વધતા ટ્રોલિંગ અને નકારાત્મકતાથી બચવા માટે રીત પડ્ડાએ અંતે કડક પગલું ભર્યું છે. તેમણે પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સહિતના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ‘પ્રાઇવેટ’ કરી દીધા છે. આટલું જ નહીં, તેમણે પોતાની પ્રોફાઇલ પિક્ચર પણ હટાવી દીધી છે, જેથી તેઓ ટ્રોલર્સની નજરથી દૂર રહી શકે.
નોંધનીય છે કે રીત પડ્ડા અગાઉ પણ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અને ‘ધ કેરલા સ્ટોરી’ જેવી સંવેદનશીલ ફિલ્મો પર પોતાની આકરી પ્રતિક્રિયા આપી ચૂક્યા છે. પેરિસમાં માર્કેટિંગ એક્સપર્ટ તરીકે કાર્યરત રીત સોશિયલ મીડિયા પર પોતાના નિડર વિચારો માટે જાણીતી છે, પરંતુ આ વખતે ‘ધુરંધર 2’ અંગેની તેમની ટિપ્પણી તેમના માટે મુસીબત સાબિત થઈ છે. જોકે, રીત પડ્ડાએ પોતાના એકાઉન્ટ્સ પ્રાઇવેટ કરી દીધા છે, તેમ છતાં તેમની જૂની પોસ્ટ્સના સ્ક્રીનશોટ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ઘટના ફરી એકવાર સોશિયલ મીડિયા પર અભિવ્યક્તિની આઝાદી અને તેના પછી થતા 'ડિજિટલ એટેક' વિશેની ચર્ચા જગાવી રહી છે.