શાંતિની મધ્યસ્થી કરવા ગયા ને પોતે જ હોસ્પિટલ પહોંચ્યા..પાકિસ્તાની વિદેશ મંત્રી લાલ જાજમ પર પટકાયા!
પાકિસ્તાનના ડેપ્યુટી પીએમ અને વિદેશ મંત્રી ઈશાક ડાર એક રાજદ્વારી કાર્યક્રમ દરમિયાન અકસ્માતનો ભોગ બન્યા છે. ઈસ્લામાબાદમાં વિદેશ મંત્રાલયના કાર્યાલય ખાતે મિસર (ઇજિપ્ત)ના વિદેશ મંત્રીનું સ્વાગત કરતી વખતે રેડ કાર્પેટ પર તેમનો પગ લપસ્યો હતો, જેના કારણે તેમને ખભાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. મેડિકલ તપાસ બાદ તેમના ખભામાં 'હેરલાઈન ફ્રેક્ચર' હોવાનું બહાર આવ્યું છે. જ્યારે ઈશાક ડાર મિસરના વિદેશ મંત્રી બદર અબ્દેલાતીનું સત્તાવાર સ્વાગત કરી રહ્યા હતા. ફોટોગ્રાફર્સ સામે પોઝ આપવા અને હસ્તધૂનન કરવા માટે આગળ વધતી વખતે અચાનક તેમનું સંતુલન બગડ્યું હતું
શાક ડારના પુત્ર અલી ડારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ઈજા થઈ હોવા છતાં તેમના પિતાએ હિંમત હારી ન હતી. તેમણે પેઈનકિલર દવાઓ લઈને આખો દિવસ ચાલેલી મિસર, તુર્કી અને સાઉદી અરેબિયાના વિદેશ મંત્રીઓ સાથેની મહત્વપૂર્ણ બેઠકો સંપન્ન કરી હતી. તમામ સત્તાવાર કાર્યક્રમો પૂરા થયા બાદ તેમણે મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. તેમના ખભામાં હેરલાઈન ફ્રેક્ચર થયું છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ, આ પ્રકારની ઈજામાં હાડકામાં બહુ પાતળી તિરાડ પડે છે.
મહત્વનું છે કે, ઈશાક ડાર હાલમાં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં મુખ્ય મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે. પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની રાજદ્વારી મહત્વતા સાબિત કરવા માટે ઈરાન અને અમેરિકા વચ્ચે પરોક્ષ સંવાદના સેતુ તરીકે કામ કરી રહ્યું છે. ઈજા પામ્યા હોવા છતાં, વિદેશ મંત્રીએ જાહેરાત કરી છે કે પાકિસ્તાન ટૂંક સમયમાં યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે સીધી વાટાઘાટોનું આયોજન કરશે.