સરકારી અને ખાનગી કર્મચારીઓ માટે ડબલ જેકપોટ, પગાર પંચ સાથે ટોપ-અપ વીમાનો ફાયદો?

દેશમાં 8માં પગાર પંચની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે જ પેન્શન ફંડ રેગ્યુલેટર PFRDA એ કર્મચારીઓ માટે વધુ એક મોટી ભેટની તૈયારી કરી છે. 'NPS આરોગ્ય' નામના બીજા પાયલટ પ્રોજેક્ટ હેઠળ હવે નિવૃત્તિ યોજનાની સાથે આરોગ્ય સંભાળની સુવિધાને પણ સાંકળી લેવામાં આવી છે. આ પહેલથી કર્મચારીઓની નાણાકીય સુરક્ષા વધુ મજબૂત બનશે. PFRDA દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી અને ખાનગી કર્મચારીઓને રિટાયરમેન્ટ ફંડ અને પેન્શનની સાથે હોસ્પિટલના આકસ્મિક ખર્ચનો લાભ આપવાનો છે.
આ એક બહુ-ભાગીદાર પહેલ છે જે રિટાયરમેન્ટ પછી વધતા જતા તબીબી ખર્ચાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. આ યોજનાના અમલીકરણ માટે PFRDA એ અનેક કંપનીઓ સાથે જોડાણ કર્યું છે. 'મેડી આસિસ્ટ હેલ્થકેર સર્વિસિસ' મુખ્ય ટેકનિકલ પાર્ટનર તરીકે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડશે, જ્યારે CAMS KRA ગ્રાહકોના રજિસ્ટ્રેશન અને KYC જેવી મહત્વની કામગીરીમાં સહયોગ આપશે. આરોગ્ય સુરક્ષા પૂરી પાડવા માટે આદિત્ય બિરલા હેલ્થ ઈન્શ્યોરન્સ એકીકૃત ટોપ-અપ વીમા કવર આપશે. જો કર્મચારીને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે, તો મેડી આસિસ્ટ દ્વારા દાવાઓનું મેનેજમેન્ટ કરવામાં આવશે, જેથી કર્મચારીઓને ક્લેમ મેળવવામાં સરળતા રહે.
વર્ષ 2026 સુધીમાં આરોગ્ય ખર્ચમાં 11.5% થી 14% સુધીનો મોટો વધારો થવાની શક્યતા છે. આ વધારો સામાન્ય મોંઘવારી દર કરતા ઘણો વધારે છે. આવી સ્થિતિમાં NPS આરોગ્ય યોજના લાખો લોકોની લાંબા ગાળાની નાણાકીય સુરક્ષા પર પડતા દબાણને ઓછું કરવામાં મદદરૂપ થશે. NPS આરોગ્ય યોજના સીધી રીતે સભ્યના PF ફંડ સાથે જોડાશે. બીમારીના સમયે હોસ્પિટલના બિલની ચુકવણી આ ફંડમાંથી થઈ શકશે, જેના કારણે કર્મચારીને વ્યાજખોરો પાસેથી કે બેંકમાંથી લોન લેવાની ફરજ નહીં પડે. જોકે, આનાથી નિવૃત્તિ સમયે મળતી રકમમાં થોડો ઘટાડો થઈ શકે છે.
આ યોજનાનો વ્યાપ ઘણો મોટો રાખવામાં આવ્યો છે, 18 વર્ષથી વધુ ઉંમરના કોઈપણ ભારતીય નાગરિક જેની પાસે NPS Tier-1 એકાઉન્ટ છે, તે આ યોજનાનો લાભ લઈ શકશે. આનો અર્થ એ છે કે સરકારી કર્મચારીઓ ઉપરાંત ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ અને સામાન્ય નાગરિકો પણ હવે રિટાયરમેન્ટ સાથે હેલ્થ કવર મેળવી શકશે.