તેલંગાણાનું મુદિગુંટા ગામ પીએમ મોદીના દિલમાં કેમ વસ્યું? જાણો આ ગામની ખાસિયતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'માં તેલંગાણાના મંચેરિયલ જિલ્લાના જયપુર મંડળમાં આવેલા મુદિગુંટા ગામનો ખાસ ઉલ્લેખ કરી ગામલોકોની ભારોભાર પ્રશંસા કરી છે. પીએમ મોદીએ આ ગામના જળ સંરક્ષણના પ્રયાસોને એક 'સાર્થક જનઆંદોલન' ગણાવીને સમગ્ર દેશ માટે એક અનુકરણીય ઉદાહરણ તરીકે રજૂ કર્યું છે.મુદિગુંટા ગામની વિશેષતા એ છે કે અહીં રહેતા 443 પરિવારોમાંથી 353 પરિવારોએ પોતાના ઘરમાં વ્યક્તિગત રીતે ભૂગર્ભ શોષ ખાડાનું નિર્માણ કર્યું છે. આશરે 1,571ની વસ્તી ધરાવતા આ ગામમાં ગ્રામજનોએ ગંદા પાણીના નિકાલ અને ભૂગર્ભ જળ રિચાર્જિંગ માટે જે રસ્તો અપનાવ્યો છે, તેનાથી ગામની સુરત બદલાઈ ગઈ છે.
સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર સતત પ્રયાસોને કારણે ગામમાં ભૂગર્ભ જળની સપાટીમાં મોટો સુધારો જોવા મળ્યો છે. જે બોરવેલ અગાઉ સુકાઈ ગયા હતા, તે હવે ફરીથી પાણી આપતા થયા છે. આ ઉપરાંત, ગટરના પાણી ભરાઈ રહેવાની સમસ્યા અને મચ્છરો દ્વારા ફેલાતી બીમારીઓમાં પણ ધરખમ ઘટાડો થયો છે. માત્ર ઘરોમાં જ નહીં, પરંતુ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ ગામને અડીને આવેલા જંગલ વિસ્તારમાં પણ પાણીના ત્રણ મોટા તળાવો વિકસાવવામાં આવ્યા છે. આ તળાવો અત્યારે પાણીથી છલકાઈ રહ્યા છે, જેના કારણે જંગલી પ્રાણીઓને ઉનાળામાં તરસ છીપાવવા માટે ભટકવું પડતું નથી.
કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડીએ આ અંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પીએમ મોદીના આ કાર્યક્રમથી તેલંગાણાને રાષ્ટ્રીય સ્તરે એક નવી ઓળખ મળી છે. પીએમ મોદીએ મુદિગુંટા ગામની સાથે સૂર્યાપેટના યુવાન કોટલા રઘુવીર રેડ્ડીની પ્રતિભાના પણ વખાણ કર્યા છે. સામાજિક કાર્યકરો દ્વારા કરવામાં આવતા પ્રેરણાદાયી કાર્યો જનતા સુધી પહોંચી રહ્યા છે. મુદિગુંટા ગામના લોકોએ સાબિત કરી દીધું છે કે જો મક્કમ નિર્ધાર અને સામૂહિક પ્રયાસ હોય તો પાણીની અછત જેવી ગંભીર સમસ્યાનો પણ સરળતાથી ઉકેલ લાવી શકાય છે. પીએમ મોદીએ આ ગામને દેશના અન્ય ગામડાઓ માટે પણ પ્રેરણાસ્ત્રોત ગણાવ્યું છે.