શું કાંતારાની સફળતા બાદ પડી તિરાડ? ઋષભ શેટ્ટીએ પ્રોડક્શન હાઉસ અને કલાકારોથી છેડો ફાડ્યો!
દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર અને 'કાંતારા' ફેમ ઋષભ શેટ્ટી અત્યારે સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ઋષભ શેટ્ટીએ અચાનક જ 'કાંતારા ચેપ્ટર-1' ની તેની સહ-અભિનેત્રી રુકમણિ વસંત અને અભિનેતા રાજ બી. શેટ્ટીને ઇન્સ્ટાગ્રામ પર 'અનફોલો' કરી દીધા છે, જેના કારણે સિનેજગતમાં અનેક અટકળો વહેતી થઈ છે. માત્ર સહ-કલાકારો જ નહીં, પરંતુ ઋષભ શેટ્ટીએ ફિલ્મ સર્જક અને પ્રોડક્શન બેનરની ટીમને પણ પોતાના ફોલોઇંગ લિસ્ટમાંથી હટાવી દીધી છે.
ઇન્સ્ટાગ્રામ પર ઋષભના ફોલોઇંગ લિસ્ટમાં હવે કાંતારા ટીમના કોઈ પણ મુખ્ય સભ્યોના નામ જોવા મળતા નથી. આ પગલાં પરથી એવી પ્રબળ અટકળ લગાવવામાં આવી રહી છે કે ઋષભ શેટ્ટી અને કાંતારાની ટીમ વચ્ચે કોઈ ગંભીર અણબનાવ સર્જાયો છે.નોંધનીય છે કે 'કાંતારા' અને 'કાંતારા ચેપ્ટર-1' એ બોક્સ ઓફિસ પર 500 કરોડથી વધુની કમાણી કરીને ઇતિહાસ રચ્યો છે. ફિલ્મની આટલી મોટી સફળતા બાદ મુખ્ય અભિનેતાનું આ પ્રકારે ટીમથી છેડો ફાડવું તે ચાહકો માટે પણ આઘાતજનક સમાચાર છે.
ઋષભ શેટ્ટી કે ફિલ્મની ટીમ તરફથી આ બાબતે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કે પ્રતિસાદ આપવામાં આવ્યો નથી, કાંતારાના વિવાદ વચ્ચે ઋષભ શેટ્ટી પોતાના આગામી મોટા પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. તેઓ ટૂંક સમયમાં ડાયરેક્ટર પ્રશાંત વર્માની માઈથોલોજિકલ ફિલ્મ 'જય હનુમાન' માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ માટે ઋષભ શેટ્ટી ખૂબ જ મહેનત કરી રહ્યા છે, પરંતુ તે પહેલા કાંતારા ટીમ સાથેના આ વિવાદે સોશિયલ મીડિયા પર ગરમાવો લાવી દીધો છે.