હવે છેતરાશે નહીં સુરતીલાલાઓ! પનીર અસલી છે કે વનસ્પતિ તેલનું? ગ્રાહકોને જાણ કરવી હવે દરેક રેસ્ટોરન્ટ માટે બની ફરજિયાત
સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા લોકોના સ્વાસ્થ્યની રક્ષા માટે શરૂ કરવામાં આવેલું ‘અભિયાન શુદ્ધિ’ અત્યંત સફળ રહ્યું છે. પોલીસ કમિશનરે આ મહત્વપૂર્ણ અભિયાનની જવાબદારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને સોંપી હતી. આ અભિયાનનો મુખ્ય હેતુ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા અને લોકોના જીવને જોખમમાં મૂકે તેવો બિનઆરોગ્યપ્રદ ખોરાક બનાવનારા તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાનો હતો. SOG દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડીને મોટા પાયે નકલી ખાદ્ય સામગ્રી ઝડપી પાડવામાં આવી હતી.
આ કાર્યવાહી દરમિયાન અંદાજે 3,800 કિલો શંકાસ્પદ પનીર અને 9,000 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું હતું. જપ્ત કરાયેલા પનીરની કિંમત આશરે 9 લાખ રૂપિયા અને ઘીની કિંમત અંદાજે 67 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે, જે ભેળસેળિયાઓ પર પોલીસનો મોટો સપાટો ગણાય છે. સુરત પોલીસની આ આક્રમક કાર્યવાહી બાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા એક મહત્વનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ નવા નિયમ મુજબ, હવેથી દરેક પનીર વિક્રેતા, રેસ્ટોરન્ટ માલિક કે દુકાન સંચાલકે પોતાની દુકાનમાં ફરજિયાતપણે એક બોર્ડ પ્રદર્શિત કરવું પડશે.
આ બોર્ડ પર સ્પષ્ટપણે લખવાનું રહેશે કે તેઓ વાનગી બનાવવા માટે કયા પ્રકારના પનીરનો ઉપયોગ કરી રહ્યા છે. આ નિયમનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકોને જાણ કરવાનો છે કે તેઓ જે પનીર ખાઈ રહ્યા છે તે શુદ્ધ દૂધમાંથી બનેલું છે કે પછી વનસ્પતિ તેલ અને પાવડરના મિશ્રણમાંથી બનેલું ‘એનાલોગ પનીર’ છે. અત્યાર સુધી ઘણા હોટલ સંચાલકો ગ્રાહકોને અંધારામાં રાખીને સસ્તું એનાલોગ પનીર ખવડાવતા હતા.
નવા નિયમો મુજબ, જો કોઈ દુકાનદાર શુદ્ધ દૂધનું પનીર હોવાનું કહીને ગ્રાહકને એનાલોગ પનીર ખવડાવશે અને તપાસમાં આ બાબત સામે આવશે, તો તેની સામે કડક હાથે કામ લેવામાં આવશે. આવા સંજોગોમાં છેતરપિંડી કરનાર સંચાલક સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને જેલના સળિયા પાછળ ધકેલવાની કાર્યવાહી કરવામાં આવશે.