27કલાકના બેટરી બેકઅપ સાથે આવ્યું નવું લેપટોપ, ચાર્જર રાખવાની ઝંઝટમાંથી મુક્તિ
ટેકનોલોજી જગતમાં અત્યાર સુધી બેટરી બેકઅપ મામલે Apple ના MacBook નું વર્ચસ્વ હતું, પરંતુ હવે Dell એ પોતાના નવા મોડલ XPS 16 સાથે આ ધારણા બદલી નાખી છે. લેટેસ્ટ રિપોર્ટ્સ અને Notebookcheck ના ટેસ્ટિંગ મુજબ, Dell XPS 16 એકવાર ચાર્જ કર્યા પછી સતત 27 કલાક સુધી વેબ બ્રાઉઝિંગ સપોર્ટ આપી શકે છે. 2014 પછીના લેપટોપ ટેસ્ટિંગ ઇતિહાસમાં આ એક નવો રેકોર્ડ છે, જેણે MacBook Pro ને પણ પાછળ છોડી દીધું છે. આ અદભૂત બેટરી લાઇફ પાછળનું મુખ્ય કારણ Dell, Intel અને LG Display દ્વારા વિકસાવવામાં આવેલી નવી ડિસ્પ્લે ટેક્નોલોજી છે.
આ લેપટોપમાં એવી સ્ક્રીન આપવામાં આવી છે જે 1Hz થી લઈને 120Hz સુધીના રિફ્રેશ રેટને આપમેળે એડજસ્ટ કરી શકે છે. જ્યારે યુઝર હાઈ-સ્પીડ વિઝ્યુઅલ્સનો ઉપયોગ ન કરતો હોય, ત્યારે ડિસ્પ્લે લઘુત્તમ પાવર વાપરીને બેટરી બચાવે છે, જે આ ડિવાઈસની સૌથી મોટી ખાસિયત છે. Dell XPS 16 માં Intel ની નવી Panther Lake આર્કિટેક્ચર પર આધારિત Core Ultra 325 ચિપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટેસ્ટિંગ દરમિયાન જાણવા મળ્યું છે કે આ લેપટોપ જ્યારે આઈડલ સ્થિતિમાં હોય છે, ત્યારે માત્ર 1.5W જેટલો અત્યંત ઓછો પાવર વાપરે છે.
આ કાર્યક્ષમતાને કારણે જ 70Wh ના બેટરી પેક હોવા છતાં તે લાંબો સમય સુધી કાર્યરત રહી શકે છે. નોંધનીય છે કે Dell નું આ મોડલ 120Hz રિફ્રેશ રેટ અને 70Wh બેટરી કેપેસિટી હોવા છતાં આટલું લાંબુ બેકઅપ આપનારું વિશ્વનું પ્રથમ લેપટોપ છે. અગાઉ માત્ર બે મોડલ આટલી ક્ષમતા ધરાવતા હતા, પરંતુ તેમાં કાં તો બેટરી મોટી હતી અથવા ડિસ્પ્લેની ગુણવત્તા ઓછી હતી. Dell એ હાઈ-રિઝોલ્યુશન અને વધુ સારી બેટરી વચ્ચે સંતુલન જાળવીને નવો આયામ સ્થાપિત કર્યો છે.
જોકે, કંપનીએ સ્પષ્ટતા કરી છે કે રિયલ લાઈફમાં બેટરી લાઈફ યુઝરના ઉપયોગ પર આધારિત હોય છે. જો તમે એકસાથે ઘણા સોફ્ટવેર ચલાવો છો, તો બેકઅપમાં ફેરફાર થઈ શકે છે. જે યુઝર્સને મહત્તમ બેટરી કાર્યક્ષમતા જોઈએ છે, તેમણે non-OLED અને non-touchscreen વેરિઅન્ટ પસંદ કરવું જોઈએ, જે 1920 x 1200 પિક્સલ રિઝોલ્યુશન સાથે શ્રેષ્ઠ પરિણામ આપે છે.