'વિચારો જેટલું હિંસક વિચારી શકો', ધુરંધર-2ની ખતરનાક દુનિયા કેવી રીતે બની? એક્શન ડાયરેક્ટરે કર્યું રિવીલ
આદિત્ય ધરની એક્શન થ્રિલર 'ધુરંધર: ધ રિવેન્જ' (ધુરંધર-2) બોક્સ ઓફિસ પર તોફાન લાવી રહી છે. માત્ર ત્રણ દિવસમાં જ ફિલ્મે વર્લ્ડવાઇડ 400 કરોડથી વધુની કમાણી કરી લીધી છે અને ભારતમાં તેની નેટ કલેક્શન 350 કરોડથી વધુ પહોંચી ગઈ છે. ફિલ્મમાં ખૂન-ખરાબાના સીન્સની ભરમાર છે, જે શરૂઆતથી અંત સુધી દર્શકોને બેઠા નથી રહેવા દેતા. ફ્રેન્ચાઇઝી જોઈ ચૂકેલા દર્શકો જાણે છે કે તેમાં દેખાડવામાં આવેલી હિંસા ખૂબ જ રિયલ અને તીવ્ર છે, જેના કારણે કેટલાક લોકોએ તેની ટીકા પણ કરી છે.
બાળકો પણ ફિલ્મ જોઈ શકે એટલે અમુક સીન્સ કાપી નાખ્યા
પરંતુ હવે એક્શન ડાયરેક્ટર એજાઝ ગુલાબે ખુલાસો કર્યો છે કે, ફિલ્મમાં શૂટ કરાયેલા હિંસક સીન્સમાંથી માત્ર 60 ટકા જ ફાઇનલ કટમાં સામેલ કરવામાં આવ્યા છે. બાકીના 40 ટકા સીન્સને OTT યુગ અને બાળકો પણ ફિલ્મ જોઈ શકે તેવા કારણસર કાપી નાખવામાં આવ્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં એજાઝ ગુલાબે કહ્યું, "અમે પૂરી ડિટેઇલમાં હિંસા વાળા સીન્સ શૂટ કર્યા હતા, પરંતુ ફિલ્મમાં જે દેખાડવામાં આવ્યું છે તે માત્ર 60 ટકા છે. કારણ કે હવે OTTનો યુગ છે અને બાળકો પણ તેને જોઈ શકે છે, તેથી અમારે તેને થોડું ઓછું કરવું પડ્યું."
ક્રિએટિવ પ્રોસેસ વિશે વાત કરતાં તેમણે કહ્યું, "આદિત્ય ધરે અમને પૂરી આઝાદી આપી હતી. તેમણે કહ્યું હતું, 'એજાઝ ભાઈ, જેટલું બ્રૂટલ વિચારી શકો તેટલું વિચારો. જેટલા ખતરનાક રીતે મારી શકાય એટલુ ખતરનાક વિચારો.' અને અમે એવું જ કર્યું. આદિત્ય ખૂબ શાંત અને તેજ દિમાગવાળા વ્યક્તિ છે, પરંતુ જ્યારે એક્શનની વાત આવે છે ત્યારે તેમનો વિચારવાનો તરીકો બિલકુલ અલગ થઈ જાય છે."
ઓન-સેટ બનેલા અનેક સીન્સ
ફિલ્મના અનેક સીન્સ પહેલેથી પ્લાન કરીને અને રિહર્સલ કરીને શૂટ કરવામાં આવ્યા હતા, પરંતુ કેટલાક સીન્સ તો સેટ પર જ તૈયાર થયા. એજાઝે એક સીનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે મસ્જિદની અંદરનો તે સીન, જેમાં હમજા મલબામાંથી મેજર ઇકબાલના આદમીને મારે છે, તે શૂટિંગ દરમિયાન જ બનાવવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, "ઘણા આઇડિયા સેટ પર જ આવ્યા. આદિત્ય ઇચ્છતા હતા કે એક્શન 'માસી' લાગે – માત્ર ધક્કા-મુક્કી જેવું નહીં."
ફિલ્મનો ક્લાઇમેક્સ, જે 30 મિનિટથી વધુ લાંબો છે, તેને શૂટ કરવો સૌથી મુશ્કેલ હતો. મસ્જિદવાળા સીનની જ 6 દિવસ રિહર્સલ અને 14 દિવસ શૂટિંગ ચાલી. કન્ટિન્યુટી જાળવવી ખૂબ મુશ્કેલ હતી. દરેક ડિપાર્ટમેન્ટ – હેર, મેકઅપ, કોસ્ચ્યુમ – એ ખૂબ મહેનત કરી. દરેક શોટ પછી ફોટો લેવામાં આવતા જેથી આગળના દિવસે તે જ લુક ફરી બનાવી શકાય.
ફિલ્મમાં રણવીર સિંહ (હમજા), સંજય દત્ત (એસ.પી. અસલમ ચૌધરી), આર. માધવન (અજય સાન્યાલ), અર્જુન રામપાલ, રાકેશ બેદી (જમીલ જમાલી) અને સારા અર્જુન (યલીના જમાલી) સહિત દમદાર સ્ટાર કાસ્ટ છે.