થરાદ-વાવ પંથકમાં સાયબર સ્ટ્રાઈક: બે ખેડૂતોના ખાતામાંથી હજારો રૂપિયા સાફ, 100 થી વધુ લોકો ભોગ બન્યાનો દાવો
ડિજિટલ યુગમાં બેંકિંગ વ્યવહારો સરળ બન્યા છે, પરંતુ તેની સાથે સાયબર ક્રાઈમનું જોખમ પણ વધ્યું છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ઓછી ટેકનિકલ જાણકારી ધરાવતા ખેડૂતોને નિશાન બનાવીને તેમના મહેનતની કમાણીના નાણાં ઓનલાઈન સેરવી લેવાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. બેંકમાં ગયા વગર કે કોઈ પણ OTP આપ્યા વગર ખાતામાંથી પૈસા ઉપડી જવાની આ નવી પદ્ધતિએ સુરક્ષા એજન્સીઓ માટે પડકાર ઊભો કર્યો છે.
બનાસકાંઠાના વાવ-થરાદ પંથકમાં ઓનલાઈન છેતરપિંડીની ઘટનાઓએ જોર પકડ્યું છે. તાજેતરમાં વધુ બે ખેડૂતો સાયબર ફ્રોડનો ભોગ બનતા સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાઈ ગયો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના ખાતાધારક ખેડૂતોના ખાતામાંથી અચાનક નાણાં ઉપડી જતાં બેંકિંગ સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
મેસેજ આવ્યો અને 8,500 રૂપિયા ઉપડી ગયા:
થરાદના વડગામડા ગામના ખેડૂત વાઘાભાઈ રમેશભાઈ ચૌધરી ગત તારીખ 29/03/2026 ના રોજ રવિવારે બપોરે ઘરે હતા, ત્યારે અચાનક તેમના મોબાઈલ પર મેસેજ આવ્યો હતો. વાઘાભાઈએ કોઈ પણ પ્રકારનો વ્યવહાર કર્યો ન હોવા છતાં તેમના SBI ખાતામાંથી 8,500 રૂપિયા કપાઈ ગયા હતા. રવિવારે બેંક બંધ હોવાથી આજે તારીખ 30/03/2026 ના રોજ બેંક મેનેજરનો સંપર્ક સાધતા તેમને સાયબર સેલમાં ફરિયાદ કરવા જણાવાયું હતું. જે અન્વયે તેમણે સ્ટેટ સાયબર સેલ CID ક્રાઈમ, ગાંધીનગર ખાતે ઓનલાઈન ફરિયાદ નોંધાવી છે.
મેસેજ વગર જ 10,000 રૂપિયા ગાયબ:
બીજી તરફ, અન્ય એક પ્રજાપતિ ખેડૂત પણ આ ટોળકીનો શિકાર બન્યા છે. તેમને કોઈ મેસેજ આવ્યો ન હતો, પરંતુ જ્યારે તેમણે SBI ની YONO એપમાં બેલેન્સ ચેક કર્યું ત્યારે ખબર પડી કે ખાતામાંથી 10,000 રૂપિયા ઉપડી ગયા છે. આ ખેડૂતનો દાવો છે કે આ વિસ્તારના આશરે 100 જેટલા લોકોના ખાતામાંથી આ રીતે રકમ ચોરાઈ છે. બેંક અધિકારીઓએ પણ કબૂલાત કરી છે કે હાલમાં આ પ્રકારના ફ્રોડના કિસ્સાઓ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે.
કાયદેસરની કાર્યવાહીની માંગ:
બંને ભોગ બનનાર ખેડૂતોએ પોલીસમાં લેખિત અરજી આપીને પોતાની પરસેવાની કમાણી લૂંટનાર અજાણ્યા શખ્સોને શોધી કાઢવા અને નાણાં પરત અપાવવા રજૂઆત કરી છે. સાયબર એક્સપર્ટ્સનું માનવું છે કે ખેડૂતોએ લિંક પર ક્લિક કરવાથી કે અજાણી એપ ડાઉનલોડ કરવાથી બચવું જોઈએ.