ગુજરાત બોર્ડના ગુજરાતીના પેપરમાં 'શબ્દ-ભૂલ'નો રાફડો: વ્યાકરણની 80 જેટલી ભૂલોથી વિવાદ
માતૃભાષા ગુજરાતીના સંવર્ધન અને શુદ્ધ લેખન માટે આગ્રહ રાખતું ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ પોતે જ વ્યાકરણની ભૂલોમાં અટવાયું છે. ધોરણ 12 ના ગુજરાતી પ્રથમ ભાષાના પેપરમાં જોવા મળેલી અસંખ્ય ક્ષતિઓએ શિક્ષણ જગતમાં ચકચાર મચાવી છે અને વિદ્યાર્થીઓના સાચા ભાષાકીય જ્ઞાન સામે પ્રશ્નાર્થ ચિન્હ ઊભો કર્યો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા હવે વિવાદના ઘેરામાં છે. ઉત્તરવહી મૂલ્યાંકન કરી રહેલા વિષય શિક્ષકોના ધ્યાન પર આવ્યું છે કે ગુજરાતી પ્રથમ ભાષાના પ્રશ્નપત્રમાં નાની-મોટી 70 થી 80 જેટલી ભાષાકીય અને વ્યાકરણલક્ષી ભૂલો છે.
પેપરમાં જોવા મળેલી મુખ્ય છબરડાઓ:
કવિતાની પંક્તિઓ: કાવ્ય પંક્તિમાં ‘ઘોને’ ને બદલે ‘ધોન’ અને ‘રસદાર’ ને બદલે ‘રસધર’ લખવામાં આવ્યું છે.
વૈકલ્પિક પ્રશ્નો: પ્રશ્ન નંબર 1 ના વિકલ્પોમાં ‘નૈષધને’ બદલે ‘નિષધ’ અને પ્રશ્ન 36 માં ‘રાજીપો’ ના બદલે ‘રાજીયો’ જેવી ગંભીર ભૂલો જોવા મળી છે.
તળપદા શબ્દો: પ્રશ્ન નંબર 46 માં ‘ચિયો’ શબ્દને બદલે ‘ચિપો’ લખીને અર્થનો અનર્થ કરવામાં આવ્યો છે.
લેખન શૈલી: અનેક જગ્યાએ બે શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા (Space) રાખવામાં આવી નથી, તેમજ અનુસ્વાર અને ‘નું, ના, ની’ જેવા પ્રત્યયોની ગોઠવણીમાં પણ ક્ષતિઓ છે.
શિક્ષકોનો સવાલ: પેપર સેટર સામે દંડનીય કાર્યવાહી થશે?
શિક્ષકોમાં એ વાતને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે કે જો ઉત્તરવહી તપાસતી વખતે એક ભૂલ બદલ શિક્ષકને Rs. 100 નો દંડ કરવામાં આવતો હોય, તો આટલી મોટી સંખ્યામાં ભૂલો કરનાર પેપર સેટર સામે બોર્ડ કેવા પગલાં લેશે?
વધુમાં, પ્રશ્ન નંબર 16 માં દીક્ષા કોણે 'આપી' અને 'આગ્રહ કર્યો' તેવા અર્થભેદને કારણે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા. એક પ્રશ્ન સંપૂર્ણપણે ખોટો હોવાનું પણ સામે આવ્યું છે, જેના કારણે વિદ્યાર્થીઓને 1 માર્કનું ગ્રેસિંગ આપવાની માંગ ઉઠી છે.