April 1, 2026
ગુજરાત

સાયલા-ચોટીલા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, 8 વર્ષના માસૂમનું કરૂણ મોત

04:24:00 PM
Save
Mar 25, 2026
Share :
<p><strong>સાયલા-ચોટીલા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત,<span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"> 8 વર્ષના માસૂમનું કરૂણ મોત</span></strong></p>

ગુજરાતના હાઈવે પર માર્ગ અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને વાહનોની અનિયંત્રિત ગતિ અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન નિર્દોષ લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યું છે. જેના કારણે હરતો-ફરતો પરિવાર પળવારમાં વિખેરાઈ જાય છે.

ઝાલાવાડના સાયલા-ચોટીલા હાઈવે પર આજે ફરી એકવાર રક્તરંજિત અકસ્માતની ઘટના સામે આવી છે. સાયલા નજીક આવેલા વખતપર ગામના પાટિયા પાસે એક પુરપાટ ઝડપે આવતા આઈશર ટ્રકે બાઈકને જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક 8 વર્ષના નિર્દોષ બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે પરિવારના અન્ય 3 સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા છે.

પળવારમાં વિખેરાયો પરિવાર

મળતી માહિતી મુજબ, એક પરિવાર બાઈક પર સવાર થઈને વખતપર ગામના બોર્ડ પાસેથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક પાછળથી આવતા આઈશર ટ્રકના ચાલકે બાઈકને અડફેટે લીધું હતું. ટક્કર એટલી ભીષણ હતી કે બાઈક પર સવાર બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ગમગીન બની ગયું હતું.

ઈજાગ્રસ્તોની હાલત નાજુક

આ અકસ્માતમાં ઘાયલ થયેલા એક મહિલા અને અન્ય બે વ્યક્તિઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સાયલાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઈજાગ્રસ્તો પૈકી એકની હાલત અત્યંત નાજુક જણાતા પ્રાથમિક સારવાર બાદ ત્રણેયને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે.

પોલીસ કાર્યવાહી અને ટ્રાફિક જામ

ઘટનાની જાણ થતા જ સાયલા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતક બાળકના દેહને પોસ્ટમોર્ટમ (PM) માટે મોકલી આપીને ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. અકસ્માતને કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેને પોલીસે હળવો કરાવ્યો હતો.