એરપોર્ટની મોંઘી આઈટમ્સને મારો ગોળી! હવે ગેટ પાસે બેઠા-બેઠા Blinkit થી મંગાવો સસ્તો નાસ્તો અને ગેજેટ્સ
ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાં મુસાફરોની સુવિધામાં ક્રાંતિકારી ફેરફાર કરતા, અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ એ ક્વિક કોમર્સ પ્લેટફોર્મ ‘Blinkit’ સાથે હાથ મિલાવ્યા છે. આ ભાગીદારી હેઠળ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દેશની સૌપ્રથમ ‘ઇન-ટર્મિનલ ક્વિક કોમર્સ’ સેવા શરૂ કરવામાં આવી છે. હવે મુસાફરોએ એરપોર્ટની મોંઘી દુકાનો પર નિર્ભર રહેવાને બદલે મોબાઈલ એપ દ્વારા ઓર્ડર કરવાની સુવિધા મળશે. ઘણીવાર મુસાફરો ઉતાવળમાં ફોનનું ચાર્જર, હેડફોન કે જરૂરી દવાઓ ઘરે ભૂલી જતા હોય છે, અથવા એરપોર્ટની અંદરની દુકાનોમાં વસ્તુઓના ભાવ સાંભળીને ખરીદી કરવાનું ટાળતા હોય છે.
આ સમસ્યાના કાયમી ઉકેલ તરીકે, મુંબઈ એરપોર્ટના ટર્મિનલ 2 (ડોમેસ્ટિક ડિપાર્ચર) પર હવે 2,500 થી વધુ પ્રોડક્ટ્સ ઓનલાઈન ઉપલબ્ધ કરાવાઈ છે. મુસાફરો સિક્યોરિટી ચેક પત્યા પછી બોર્ડિંગ ગેટ કે લાઉન્જમાં બેઠા-બેઠા આ સેવાનો લાભ લઈ શકશે. આ વિશિષ્ટ સેવામાં ઇલેક્ટ્રોનિક્સ, સ્નેક્સ, પુસ્તકો અને પર્સનલ કેર પ્રોડક્ટ્સ જેવી મુસાફરીની તમામ જરૂરી વસ્તુઓનો સમાવેશ થાય છે. ઓર્ડર કર્યાની ગણતરીની મિનિટોમાં જ એરપોર્ટનો ટ્રેન્ડ સ્ટાફ મુસાફરની બેસવાની જગ્યા સુધી સામાન પહોંચાડી દેશે.
એરપોર્ટની કડક સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ડિલિવરી માટે ખાસ ‘વોકર્સ’ તૈનાત કરવામાં આવ્યા છે, જે સુરક્ષાના તમામ માપદંડોનું પાલન કરશે. સુરક્ષાના ભાગરૂપે પ્રવાહી પદાર્થો જેમ કે પાણીની બોટલ કે કોલ્ડ ડ્રિંક્સ સીધા એરપોર્ટની માન્ય ઇન્વેન્ટરીમાંથી જ ગ્રાહકને આપવામાં આવશે. આ મોડલ એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે મુસાફરોને બજાર ભાવે વસ્તુઓ મળે અને એરપોર્ટની સુરક્ષામાં પણ કોઈ બાંધછોડ ન થાય. આ સુવિધાને કારણે ખાસ કરીને બિઝનેસ ટ્રાવેલર્સ અને ફેમિલી સાથે મુસાફરી કરતા લોકોનો સમય અને નાણાં બંનેની બચત થશે.
મુંબઈમાં આ પાયલોટ પ્રોજેક્ટની સફળ શરૂઆત બાદ, અદાણી ગ્રુપ હવે આ સુવિધાનું વિસ્તરણ કરવા જઈ રહ્યું છે. આગામી સમયમાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ સહિત લખનૌ, જયપુર અને ગુવાહાટી જેવા અદાણી સંચાલિત એરપોર્ટ્સ પર પણ આ સેવા શરૂ કરવામાં આવશે. આ પગલું ભારતીય એરપોર્ટ્સને ગ્લોબલ સ્ટાન્ડર્ડ મુજબ વધુ ડિજિટલ અને પેસેન્જર-ફ્રેન્ડલી બનાવશે.