ભારતીય સેનામાં ભરતી થવાનું સપનું થશે સાકાર : અગ્નિવીર પરીક્ષા માટે ફ્રી સેમ્પલ પેપર્સ જાહેર, જાણો શું છે ડાઉનલોડ કરવાની રીત...
ભારતીય સેનામાં જોડાઈને દેશસેવા કરવા માંગતા યુવાનો માટે એક સુવર્ણ તક આવી ગઈ છે. વર્ષ 2026ની અગ્નિવીર ભરતી માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા હાલ કાર્યરત છે, જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ જે પહેલા 1 એપ્રિલ હતી તેને લંબાવીને હવે 10 એપ્રિલ 2026 કરવામાં આવી છે. જે ઉમેદવારોએ હજુ સુધી ફોર્મ નથી ભર્યા તેમની પાસે આ છેલ્લી તક છે. જોકે, ફોર્મ ભર્યા બાદ વિદ્યાર્થીઓના મનમાં સૌથી મોટો મૂંઝવણ લેખિત પરીક્ષાની તૈયારીને લઈને હોય છે. આ સમસ્યાના ઉકેલ માટે સેનાના રિક્રુટિંગ ડાયરેક્ટર જનરલે મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે ઉમેદવારોની પ્રેક્ટિસ માટે સત્તાવાર વેબસાઇટ પર મફત સેમ્પલ પેપર્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
લેખિત પરીક્ષામાં સફળતાની ગેરંટી
ભારતીય સેનાના ડીજી રિક્રુટિંગ લેફ્ટનન્ટ જનરલ અનૂપ સિંઘલે એક ઈન્ટરવ્યુમાં મહત્વનું આશ્વાસન આપ્યું છે. તેમણે જણાવ્યું કે આ વર્ષે સેના દ્વારા વિવિધ પદો માટે અંદાજે 30 જેટલા સેમ્પલ પેપર્સ અપલોડ કરવામાં આવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જો કોઈ ઉમેદવાર આ સેમ્પલ પેપર્સને પ્રામાણિકતાથી જાતે સોલ્વ કરી લેશે, તો તે લેખિત પરીક્ષામાં ચોક્કસપણે ઉત્તીર્ણ થઈ જશે. અગ્નિવીર જનરલ ડ્યુટી (GD), ટેકનિકલ આસિસ્ટન્ટ, સ્ટોર કીપર, ટ્રેડ્સમેન અને મહિલા મિલિટરી પોલીસ જેવા વિવિધ પદો માટે આ પેપર્સ તૈયાર કરવામાં આવ્યા છે, જે પરીક્ષાની પદ્ધતિ સમજવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે.
ઓફિશિયલ વેબસાઇટ પરથી પેપર્સ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા
આ સેમ્પલ પેપર્સ ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ ભારતીય સેનાની સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in પર જવાનું રહેશે. વેબસાઇટના હોમપેજ પર 'JCO/OR/Agniveer Enrolment' સેક્શનમાં જઈને 'Sample Question Paper' વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. ત્યાં તમારી શ્રેણી (Category) પસંદ કર્યા બાદ તમે PDF ફોર્મેટમાં પેપર ડાઉનલોડ કરી શકશો. ખાસ કરીને અગ્નિવીર GD માટે સેનાએ કુલ 46 સેમ્પલ પેપર જાહેર કર્યા છે, જે અભ્યાસ માટે શ્રેષ્ઠ મટીરીયલ ગણાય છે. આ સુવિધાનો લાભ લઈને ઉમેદવારો પોતાની તૈયારીઓને આખરી ઓપ આપી શકે છે અને સેનામાં જોડાવાનું પોતાનું લક્ષ્ય હાંસલ કરી શકે છે.