April 2, 2026
ગુજરાત

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની AIUને મળી સફળતા : કેપ્સ્યુલમાં કેદ કરી લવાયું સોનું, કુઆલાલંપુરથી આવેલી મહિલા પેસેન્જર પાસેથી ₹83 લાખનું સોનું ઝડપાયું... 

10:47:00 AM
Save
Mar 31, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની AIUને મળી સફળતા :</strong></span> કેપ્સ્યુલમાં કેદ કરી લવાયું સોનું, કુઆલાલંપુરથી આવેલી મહિલા પેસેન્જર પાસેથી ₹83 લાખનું સોનું ઝડપાયું... </p>

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દાણચોરો વિરુદ્ધ ચાલી રહેલી કડક ઝુંબેશમાં કસ્ટમ્સની એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU)ને વધુ એક મોટી સફળતા મળી છે. ગત 30 માર્ચ, 2026ના રોજ કુઆલાલંપુરથી ફ્લાઈટ નંબર AK 91 દ્વારા અમદાવાદ ઉતરેલી એક મહિલા મુસાફર કસ્ટમ્સના બાજ નજરથી બચી શકી નહોતી. APIS (એડવાન્સ પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ) પ્રોફાઇલિંગના આધારે અધિકારીઓને અગાઉથી જ શંકા હોવાથી, જ્યારે આ મહિલા ટર્મિનલ-2 પર ઉતરીને ચાલાકીપૂર્વક ગ્રીન ચેનલ પાર કરવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે જ સતર્ક અધિકારીઓએ તેને અટકાવી હતી. પ્રાથમિક પૂછપરછમાં મહિલાએ સંતોષકારક જવાબ ન આપતા તેની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં દાણચોરીની અત્યંત જોખમી અને ચોંકાવનારી પદ્ધતિ સામે આવી હતી.

તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે, મહિલાએ પોતાના ગુદામાર્ગમાં કાળા રંગની ટેપથી લપેટેલા બે અંડાકાર આકારના કેપ્સ્યુલ્સ છુપાવ્યા હતા. આ કેપ્સ્યુલ્સમાં પ્રવાહી રસાયણો સાથે મિશ્રિત સોનાની પેસ્ટ ભરેલી હતી, જેનું કુલ વજન 643.28 ગ્રામ હતું. કસ્ટમ્સની ટીમે તાત્કાલિક ધોરણે આ પેસ્ટને રિફાઇનિંગ માટે મોકલી આપી હતી, જેમાંથી 553.07 ગ્રામ જેટલું ઉચ્ચ શુદ્ધતા ધરાવતું 99.9%(24 કેરેટ) શુદ્ધ સોનું મેળવવામાં આવ્યું હતું. આ જપ્ત કરાયેલા સોનાની બજાર કિંમત આશરે ₹83,29,234/-અંદાજવામાં આવી છે, જ્યારે તેની ટેરિફ કિંમત ₹75,58,393/-જેટલી થાય છે. સોનાની જાહેરાત કર્યા વિના અને ટેક્સ ચોરીના ઈરાદે શરીરના અંગોમાં છુપાવીને લાવવા બદલ કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ સોનાને બારના રૂપમાં જપ્ત કરી મહિલાની ધરપકડ કરવામાં આવી છે. આ દાણચોરી પાછળ કોઈ મોટી ગેંગ સક્રિય છે કે કેમ તે દિશામાં અત્યારે સઘન તપાસ ચાલી રહી છે.