અમદાવાની જાણીતી 'અજય મોદી ટ્રાવેલ્સ' સાથે ₹33.87 લાખની છેતરપિંડી, મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ
અમદાવાદ શહેરની પ્રતિષ્ઠિત ટ્રાવેલ એજન્સી 'અજય મોદી ટ્રાવેલ્સ' સાથે ગાંધીનગરની એક મહિલા દ્વારા આચરવામાં આવેલી ₹33.87 લાખની ગંભીર છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. આરોપી મહિલાએ ટેક્નોલોજી અને વિશ્વાસનો દુરુપયોગ કરી કંપનીના નામે આવતા નાણાં પોતાના અંગત ખાતામાં વળાવી લીધા હોવાની ફરિયાદ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ સમગ્ર કૌભાંડની વિગત મુજબ, અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા અને 'અજય મોદી ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ'ના સંચાલક આલાપભાઇ અજયભાઇ મોદીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
વર્ષ 2022માં ઉન્નતિ વૈભવભાઇ પટેલ નામની મહિલા તેમના સંપર્કમાં આવી હતી અને ફ્રેન્ચાઇઝીની માંગણી કરી હતી. જોકે, કંપનીની નીતિ મુજબ ફ્રેન્ચાઇઝી આપવાને બદલે માત્ર કમિશન બેઝ પર બુકિંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. છેલ્લા ત્રણ વર્ષથી આરોપી ઉન્નતિ પટેલ ગાંધીનગર ખાતેથી કમિશન પર કામ કરી રહી હતી. શરૂઆતમાં બધું વ્યવસ્થિત ચાલતું હતું, પરંતુ મહિલાએ ધીમે-ધીમે કંપનીના નામે આવતા ગ્રાહકોના નાણાં હડપ કરવાનું કાવતરું ઘડ્યું હતું. તેણે આ માટે ગાંધીનગરના કુડાસણ ખાતેની એક્સિસ બેંકમાં 'ઉન્નતિ એન્ટરપ્રાઇઝ' નામે એક અલગ બેંક ખાતું ખોલાવ્યું હતું.
આ છેતરપિંડીની સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે, ઉન્નતિએ બેંકના QR કોડમાં એવી ટેકનિકલ ગોઠવણ કરી હતી કે જ્યારે કોઈ ગ્રાહક ફ્લાઇટ બુકિંગ માટે પેમેન્ટ કરવા સ્કેન કરે, ત્યારે તેને સ્ક્રીન પર 'અજય મોદી ટ્રાવેલ્સ' નામ જ દેખાતું હતું. આ ભ્રમને કારણે ગ્રાહકોને જરાય શંકા જતી નહોતી અને તેઓ નિશ્ચિંત થઈને પેમેન્ટ કરી દેતા હતા, જે સીધું ઉન્નતિના અંગત ખાતામાં જમા થતું હતું.
આ લાખો રૂપિયાનું કૌભાંડ ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે કેટલીક ફ્લાઇટ્સ ટેકનિકલ કારણોસર રદ થઈ હતી. ફ્લાઇટ કેન્સલ થતા ગ્રાહકોએ રિફંડ મેળવવા માટે આલાપભાઇ મોદીનો સીધો સંપર્ક કર્યો હતો. જ્યારે કંપનીના રેકોર્ડ ચેક કરવામાં આવ્યા ત્યારે માલૂમ પડ્યું કે તે ગ્રાહકોના પેમેન્ટની રકમ કંપનીના સત્તાવાર ખાતામાં ક્યારેય જમા જ થઈ નહોતી.
આલાપભાઇએ વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે ઉન્નતિ પટેલે આ રીતે અનેક ગ્રાહકો પાસેથી કુલ ₹33,87,184ની છેતરપિંડી કરી છે. જોકે, ગ્રાહકોને કોઈ નુકસાન ન થાય અને કંપનીની વર્ષો જૂની શાખ જળવાઈ રહે તે માટે આલાપભાઇએ પોતાના ખિસ્સામાંથી ગ્રાહકોને રિફંડની રકમ ચૂકવી દીધી હતી અને ત્યારબાદ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
હાલમાં સેટેલાઇટ પોલીસ સ્ટેશન દ્વારા આરોપી મહિલા ઉન્નતિ પટેલ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.