અમદાવાદ અકસ્માત : કૃષ્ણનગરમાં AMTS બસ ચાલકે બળદગાડાને લીધું અડફેટે, રોષે ભરાયેલા લોકોએ બસના કાચ ફોડ્યા...
અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં બેફામ ગતિએ દોડતી એએમટીએસ (AMTS) બસના ચાલકે કાબૂ ગુમાવતા એક બળદગાડાને જોરદાર ટક્કર મારી હતી. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા સરદાર ચોકથી વિજય પાર્ક તરફ જવાના મુખ્ય માર્ગ પર સર્જાયેલા આ અકસ્માતમાં બળદગાડામાં સવાર એક વૃદ્ધ અને નિર્દોષ બળદને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે બળદગાડાનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને વૃદ્ધ રોડ પર પટકાયા હતા. આ ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
ઘટના સ્થળે એકત્ર થયેલા સ્થાનિક રહીશોમાં તંત્ર અને બસ ચાલકની બેદરકારીને લઈને ભારે રોષ જોવા મળ્યો હતો. અકસ્માત ઉશ્કેરાયેલા ટોળાએ AMTS બસમાં તોડફોડ કરવાનું શરૂ કર્યું હતું. જોતજોતામાં બસના કાચ તોડી નાખવામાં આવ્યા હતા અને રસ્તા પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અંગેની જાણ થતાં જ કૃષ્ણનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને રોષે ભરાયેલા ટોળાને શાંત પાડી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.
આ સમગ્ર અકસ્માતની હૃદયદ્રાવક ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં બસ ચાલકની બેદરકારી સ્પષ્ટપણે જોવા મળી રહી છે. શહેરના ભરચક વિસ્તારોમાં જાહેર પરિવહનની બસો દ્વારા સર્જાતા આવા અકસ્માતોએ ફરી એકવાર નાગરિકોની સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા છે.