અમદાવાદ ડ્રગ્સ કેસ : બાપુનગરના શખ્સને 12 વર્ષની આકરી કેદ, કોર્ટે 2 લાખનો દંડ ફટકાર્યો...
અમદાવાદ શહેરમાં નશાના કાળા કારોબાર સામે પોલીસે આદરેલી ઝુંબેશમાં વધુ એક મોટી સફળતા બાદ ન્યાયતંત્રએ પણ ડ્રગ તસ્કરો પર લાલ આંખ કરી છે. માર્ચ 2024માં ક્રાઈમ બ્રાન્ચ (DCB) દ્વારા ઝડપાયેલા બાપુનગરના ડ્રગ પેડલર સલીમ શેખને અમદાવાદ સીટી સેશન્સ કોર્ટની વિશેષ NDPS અદાલતે 12 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. જજ વી.બી. રાજપૂતે આ કેસની ગંભીરતાને ધ્યાને લેતા સરકારી વકીલ દિલીપસિંહ એમ. ઠાકોરની ધારદાર દલીલો અને પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓને ગ્રાહ્ય રાખ્યા હતા. આ કેસમાં આરોપી સલીમ પાસેથી 82 ગ્રામ જેટલું પ્રતિબંધિત MD ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની કિંમત આશરે 8.25 લાખ રૂપિયા થવા જાય છે. કોર્ટે કેદની સજાની સાથે આરોપીને 2 લાખ રૂપિયાનો આકરો દંડ પણ કર્યો છે, જે ડ્રગ્સના દૂષણને ડામવા માટે એક મહત્વનો ચુકાદો માનવામાં આવે છે.
આ સમગ્ર કેસની વિગત મુજબ, અમદાવાદ પોલીસ દ્વારા ડ્રગ તસ્કરોનું નેટવર્ક તોડવા માટે બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યા હતા. આ દરમિયાન બાતમી મળી હતી કે બાપુનગર વિસ્તારમાં આવેલ અજીત મીલ ચાર રસ્તા પાસે સુમેળ કોમ્પલેક્ષની એક દુકાનમાં આરોપી સલીમ શેખ નશીલા પદાર્થ સાથે હાજર છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને સ્થળ પર દરોડો પાડ્યો હતો, જ્યાં તપાસ દરમિયાન સલીમના ખિસ્સામાંથી સફેદ પાવડર ભરેલી પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી. એફએસએલ તપાસમાં તે પદાર્થ મેફેડ્રોન (MD) ડ્રગ્સ હોવાનું સાબિત થયું હતું. પોલીસને આરોપી પાસેથી માત્ર ડ્રગ્સ જ નહીં, પરંતુ સહ-આરોપી સાથે થયેલા બેંક વ્યવહારોની વિગતો પણ મળી હતી, જે આ ગુનામાં તેની સીધી સંડોવણી અને મોટા પાયે ચાલતા ડ્રગ્સ નેટવર્કની સાક્ષી પૂરતી હતી.
ઉલ્લેખનીય છે કે આ કેસમાં ડુંગરપુરનો અન્ય એક આરોપી ભરત પણ સંડોવાયેલો છે, જે હજુ પોલીસ પકડથી દૂર હોવાનું સામે આવ્યું છે. સેશન્સ કોર્ટમાં ચાલેલા આ કેસમાં સરકારી વકીલે એવી દલીલ કરી હતી કે ડ્રગ્સનું વેચાણ યુવા પેઢીને બરબાદ કરી રહ્યું છે, જેના કારણે આવા ગંભીર ગુનામાં આરોપી સામે કોઈ પણ પ્રકારની નરમાઈ દાખવવી જોઈએ નહીં. કોર્ટે તમામ મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓને આધારે સલીમ શેખને ગુનેગાર ઠેરવીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આ ચુકાદાથી ડ્રગ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે અને પોલીસ તંત્રના મનોબળમાં પણ વધારો થયો છે.