અમદાવાદનાં બાપુનગરમાં અસામાજિક તત્વોનો આતંક, ભાજપના કોર્પોરેટરની ઓફિસમાં તોડફોડ અને વૃદ્ધ પર કર્યો હુમલો...
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા બાપુનગરમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ માઝા મૂકી હોય તેવી ઘટના સામે આવી છે, જેમાં ભાજપના કોર્પોરેટરની ઓફિસ અને રહેણાંક વિસ્તારમાં ભારે તોડફોડ મચાવવામાં આવી હતી. બાપુનગર ગાયત્રી મંદિર પાસે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા નલીનભાઈ મિસ્ત્રી નામના વૃદ્ધ પર જીગર પટેલ ઉર્ફે જીગર કાઠીયાવાડી અને તેના સાગરીતોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનાની વિગત એવી છે કે નલીનભાઈનો પુત્ર દેવાંગ અગાઉ જેલમાં હતો ત્યારે તેની મુલાકાત જીગર સાથે થઈ હતી. પેરોલ પર બહાર આવેલા જીગરે ગત 28 માર્ચના રોજ દેવાંગ પાસે 'ખર્ચા'ના પૈસાની ઉઘરાણી કરી હતી, જે બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ અદાવત રાખીને ગતરોજ 30 તારીખની મોડી રાત્રે જીગર તેના ભાઈ સેવુલ પટેલ અને અન્ય સાગરીતો સાથે નલીનભાઈના ઘરે ધસી આવ્યો હતો અને અપશબ્દો બોલી આતંક મચાવવાનું શરૂ કર્યું હતું.
આ શખ્સોએ લોખંડની પાઇપ વડે વૃદ્ધ નલીનભાઈને બેરહેમીથી માર માર્યો હતો અને તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલાખોરોએ માત્ર વૃદ્ધને જ નિશાન બનાવ્યા ન હતા, પરંતુ આસપાસ પાર્ક કરેલા વાહનોમાં પણ તોડફોડ કરી હતી. આ હિંસક ટોળાએ બાપુનગરના ભાજપના કોર્પોરેટર પ્રકાશ ગુર્જરની ઓફિસને પણ નિશાન બનાવી હતી, જ્યાં ઓફિસની બહાર રહેલી લોખંડની તિજોરીના કાચ ફોડી નાખ્યા હતા અને શેડના પંખા તેમજ બોર્ડને નુકસાન પહોંચાડ્યું હતું. સ્થાનિક લોકો એકઠા થઈ જતાં અને પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતા આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. હાલમાં બાપુનગર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે જીગર કાઠીયાવાડી અને તેના સાથીદારો વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
શહેરના ગીચ વિસ્તારમાં અને સત્તાધારી પક્ષના કોર્પોરેટરની ઓફિસની બહાર જ આ પ્રકારે તોડફોડ અને હુમલો થતાં સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પ્રકાશ ગુર્જર જેઓ 'મદદગાર પરિવાર' જેવી સેવાકીય સંસ્થા ચલાવે છે, તેમની ઓફિસ પર થયેલા આ હુમલાએ પોલીસની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.