April 8, 2026
ક્રાઈમ

તસ્કરની સ્માર્ટ ચોરી: બોપલમાં CCTVના છેડા કાપી 18.72 લાખના વાયરની ઉઠાંતરી, પોલીસ પણ સ્તબ્ધ!

01:27:00 PM
Save
Apr 8, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>તસ્કરની સ્માર્ટ ચોરી: </strong></span>બોપલમાં CCTVના છેડા કાપી 18.72 લાખના વાયરની ઉઠાંતરી, પોલીસ પણ સ્તબ્ધ!</p>

અમદાવાદના બોપલ વિસ્તારમાં તસ્કરોએ એક નિર્માણાધીન સાઇટના ગોડાઉનને નિશાન બનાવીને લાખોની મત્તાની ચોરી કરી હોવાની સનસનીખેજ ઘટના સામે આવી છે. શાતિર તસ્કરોએ પૂર્વઆયોજિત કાવતરું રચી, સીસીટીવી કેમેરા ડિસ્કનેક્ટ કરીને આશરે રૂપિયા 18,72,990 ની કિંમતના ઇલેક્ટ્રિક કોપર વાયરના 147 બંડલની ચોરી કરી છે. આ મામલે બોપલ પોલીસે અજાણ્યા શખસો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના અંગે ચાંદખેડા નિવાસી અને ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર અમિતકુમાર સવજીભાઈ પટેલે ફરિયાદ નોંધાવી છે. તેઓ બોપલના ડી.પી.એસ. સ્કૂલ રોડ પર આવેલી એક નિર્માણાધીન સાઇટ પર વાયરિંગનું કામ સંભાળે છે.

ફેબ્રુઆરી મહિનામાં કોપરના ભાવ સતત વધી રહ્યા હોવાથી, ડેવલપરની સંમતિથી સાઇટ પરના એક ફ્લેટને ગોડાઉન બનાવી તેમાં આશરે 50 લાખ રૂપિયાનો વાયરનો સ્ટોક ઉતારવામાં આવ્યો હતો. જેમાંથી 15 લાખનો માલ વપરાયો હતો અને બાકીનો જથ્થો સુરક્ષિત રીતે ગોડાઉનમાં રાખવામાં આવ્યો હતો.  તસ્કરોની મોડસ ઓપરેન્ડી પરથી જણાય છે કે તેઓ સાઇટની ભૌગોલિક સ્થિતિથી વાકેફ હતા. ચોરીને અંજામ આપતા પહેલા, તસ્કરોએ ડ્રોઇંગ રૂમથી સ્ટોક રૂમ તરફ જતા સીસીટીવી કેમેરાનો વાયર કાપી નાખ્યો હતો જેથી તેમની ઓળખ છુપાવી શકાય.

તારીખ 13 માર્ચના રોજ સાંજે ગોડાઉનને તાળું મારીને ગયા બાદ, જ્યારે 16 માર્ચના રોજ સવારે અમિતકુમાર વાયરની ગણતરી કરવા પહોંચ્યા ત્યારે આ ચોરીનો ખુલાસો થયો હતો. ગોડાઉનમાં અલગ-અલગ કલરના કોપર વાયરના 147 બંડલ ગાયબ જોવા મળ્યા હતા. ચોરાયેલા કુલ 147 બંડલની બજાર કિંમત રૂપિયા 18,72,990 આંકવામાં આવી છે. બોપલ પોલીસે આસપાસના અન્ય કેમેરાના ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તસ્કરોનું પગેરું દબાવવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ આ કિસ્સામાં કોઈ જાણભેદુની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરી રહી છે.