April 5, 2026
ક્રાઈમ

અમદાવાદમાં કાળજું કંપાવતી ઘટના: ટ્રેક્ટર નીચે કચડાતા માસૂમ બાળકનું મોત, અકસ્માત સર્જી ચાલક થયો ફરાર

10:41:00 AM
Save
Apr 5, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>અમદાવાદમાં કાળજું કંપાવતી ઘટના:</strong></span> ટ્રેક્ટર નીચે કચડાતા માસૂમ બાળકનું મોત, અકસ્માત સર્જી ચાલક થયો ફરાર</p>

અમદાવાદના બારેજડી-કણીજ રોડ પર આવેલા ઈંટોના ભઠ્ઠા પર એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. ટ્રેક્ટર ચાલકની ગંભીર બેદરકારીને કારણે દોઢ વર્ષના માસૂમ બાળકનું ટાયર નીચે કચડાતા કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે શ્રમિક પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૂળ ઝાલોદના વતની રવિન્દ્ર ડામોર છેલ્લા બે મહિનાથી પોતાની પત્ની સાથે અમદાવાદના બારેજડી-કણીજ રોડ પર આવેલા ઈંટોના ભઠ્ઠા પર મજૂરી કામ કરી રહ્યા છે. દોઢ વર્ષનો પુત્ર રૂદ્રાંશ ભઠ્ઠા નજીક રમી રહ્યો હતો.

આ દરમિયાન કમલેશભાઈ વણઝારા નામનો ચાલક પોતાનું ટ્રેક્ટર લઈને ઈંટો ભરવા માટે ત્યાં આવ્યો હતો. ટ્રેક્ટર ચાલકે આસપાસ જોયા વગર જ ગફલતભરી રીતે વાહન હંકારી મૂક્યું હતું, જેના કારણે રમી રહેલા માસૂમ રૂદ્રાંશ પર ટ્રેક્ટરની ટ્રોલીનું પાછળનું વ્હીલ ફરી વળ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે બાળકના માથા અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પોતાના વહાલસોયા પુત્રને નજર સામે જ કાળના મોઢામાં જતો જોઈ માતા-પિતાના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

અકસ્માત સર્જ્યા બાદ પકડાઈ જવાની બીકે ચાલક કમલેશ વણઝારા ટ્રેક્ટર ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને અન્ય શ્રમિકો એકઠા થઈ ગયા હતા. મૃતક બાળકના પિતા રવિન્દ્ર ડામોરે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરી બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. ફરાર ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ભઠ્ઠા જેવા વિસ્તારોમાં વાહનોની અનિયંત્રિત ગતિ અને બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.