અમદાવાદ સિવિલમાં ‘લીકર પરમિટ’ કૌભાંડનો પર્દાફાશ: પરમિટની ફી સરકારી તિજોરીને બદલે ખિસ્સામાં પધરાવનારાઓ સામે FIR, તપાસ માટે ખાસ કમિટીની રચના
અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં લીકર પરમિટ (દારૂની પરમિટ) ઈશ્યૂ કરવા અને રિન્યુ કરવાની પ્રક્રિયામાં મોટા પાયે નાણાકીય ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે. આ કૌભાંડ અંગે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ કડક વલણ અપનાવતા જવાબદારો સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. હોસ્પિટલના સત્તાધીશો દ્વારા આ મામલે ઝીણવટભરી તપાસ કરવા માટે એક ખાસ તપાસ કમિટીની પણ રચના કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, લીકર પરમિટ માટે આવતા અરજદારો પાસેથી ફી પેટે રોકડ રકમ વસૂલવામાં આવતી હતી, પરંતુ આ રકમ સરકારી ખાતામાં અથવા ‘રોગી કલ્યાણ સમિતિ’માં જમા કરાવવાને બદલે સંડોવાયેલા વ્યક્તિઓ પોતાના અંગત સ્વાર્થ માટે વાપરી નાખતા હતા.
અત્યાર સુધીમાં પ્રાથમિક તપાસમાં આવા 8 કેસ સામે આવ્યા છે, જેમાં ફીના નામે રોકડા રૂપિયા લઈને ઉચાપત કરવામાં આવી છે. આ કૌભાંડ અંગે નિવેદન આપતા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલના વહીવટમાં કોઈપણ કાળે આ પ્રકારની નાણાકીય ગેરરીતિ કે ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં આવશે નહીં. જે વ્યક્તિઓએ સરકારી નાણાંની હેરાફેરી કરી છે તેમની સામે ગઈકાલે જ FIR દાખલ કરી દેવામાં આવી છે. આ કૌભાંડ કેટલા સમયથી ચાલતું હતું અને તેમાં કોણ કોણ સંડોવાયેલું છે તેની તપાસ માટે કમિટી બનાવી દેવાઈ છે.
તપાસ સમિતિ હવે એ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરશે કે આ કૌભાંડના મૂળ કેટલા ઊંડા છે. આ હેતુસર, જે પણ વ્યક્તિઓએ છેલ્લા કેટલાક સમયમાં લીકર પરમિટ માટે રોકડમાં ફી ચૂકવી હોય, તે તમામ વ્યક્તિઓને સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા ફોન કરીને ખરાઈ કરવામાં આવશે. આ પ્રક્રિયા દ્વારા જાણી શકાશે કે કુલ કેટલા રૂપિયાની ઉચાપત થઈ છે અને કયા કયા કર્મચારીઓ આ ભ્રષ્ટાચારમાં ભાગીદાર હતા.
સિવિલ હોસ્પિટલના સત્તાધીશોના આ કડક પગલાથી ભ્રષ્ટ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ માત્ર 8 કેસ પૂરતું મર્યાદિત છે કે પછી મોટા પાયે આ સિન્ડિકેટ ચાલી રહી હતી. આવનારા દિવસોમાં તપાસ સમિતિના રિપોર્ટના આધારે વધુ લોકો સામે કાયદેસરની કાર્યવાહી થવાની પૂરેપૂરી શક્યતા છે.