અમદાવાદ નકલી નોટ કેસ: મુખ્ય સૂત્રધાર સહિત 7 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવેલા 2 કરોડ રૂપિયાથી વધુની નકલી નોટોના મોટા કૌભાંડમાં તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. પોલીસે સુરતના પ્રદીપ જોટાંગિયા સહિત કુલ 7 આરોપીઓને મેટ્રો કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે સરકારી વકીલની દલીલોને ધ્યાનમાં રાખીને તમામ આરોપીઓના આગામી 30 માર્ચ બપોર સુધીના એટલે કે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ક્રાઈમ બ્રાન્ચે 14 દિવસના રિમાન્ડની કરી હતી માંગ
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડાયેલા આરોપીઓની વધુ સઘન પૂછપરછ અને તપાસ માટે કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. રિમાન્ડ અરજી પર સુનાવણી દરમિયાન સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી 500 રૂપિયાના દરની 5600 નકલી નોટો રિકવર કરવામાં આવી છે. આ મોટું કૌભાંડ હોવાથી ઉંડાણપૂર્વકની તપાસ અત્યંત જરૂરી છે.
ચીનથી કાગળ મંગાવી નોટો છાપવામાં આવી, સાધનો કબ્જે કરવાના બાકી
કોર્ટ સમક્ષ તપાસની દિશા રજૂ કરતા સરકારી વકીલે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે, આરોપીઓએ નકલી નોટો છાપવા માટે ખાસ પ્રકારનો કાગળ ચીનથી મંગાવ્યો હતો. આ કાગળ ભારતમાં કેવી રીતે આવ્યો અને કોણે મંગાવ્યો તેની સઘન તપાસ કરવાની છે. વધુમાં, નકલી નોટો બનાવવા માટે કઈ અસલી નોટો સ્કેન કરવામાં આવી હતી અને આ ગુનામાં વપરાયેલા લેપટોપ તેમજ પ્રિન્ટર જેવા સાધનો હજુ કબ્જે કરવાના બાકી હોવાની રજૂઆત કોર્ટમાં કરાઈ હતી.
સુરતમાં નેટવર્ક અને આર્થિક લેવડદેવડની તપાસ કરાશે
રિમાન્ડ દરમિયાન પોલીસ સહ-આરોપીઓને સાથે રાખીને 'સત્યમ ફાઉન્ડેશન' ખાતે પણ તપાસ હાથ ધરશે. આરોપીઓ આ નકલી નોટો વેચવા અમદાવાદ આવ્યા હતા, તેથી તેમણે સુરત કે અન્ય શહેરોમાં પણ આ નોટો બજારમાં ઘુસાડી હોવાની પૂરી શક્યતા છે. આ ઉપરાંત, જો કોઈ અન્ય જગ્યાએ નકલી નોટો સંતાડી હોય તો તે શોધી કાઢવા, આરોપીઓના ઇન્કમટેક્સ રિટર્ન, કોલ ડેટા રેકોર્ડ (CDR), તેમનો ભૂતકાળ અને નકલી નોટોના ખરીદ-વેચાણમાં સંકળાયેલી આર્થિક લેવડદેવડની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે.
આગામી 10 દિવસની પોલીસ પૂછપરછમાં આ આંતરરાજ્ય નકલી નોટ કૌભાંડના તાર ક્યાં સુધી જોડાયેલા છે અને અન્ય કયા ભેજાબાજો સામેલ છે, તે અંગે મોટા ખુલાસા થવાની સંભાવના છે.