અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો સપાટો : પાલનપુરના રીઢા ગુનેગારને દેશી પિસ્તોલ અને કારતૂસ સાથે દધિચી બ્રીજ પાસેથી દબોચી લીધો...
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે શહેરમાં ગુનાખોરી ડામવા અને ગેરકાયદે હથિયારોની હેરાફેરી રોકવા માટે હાથ ધરેલા સતત પેટ્રોલિંગ અને સઘન તપાસ દરમિયાન એક મોટી સફળતા હાંસલ કરી છે. DCB પોલીસ સ્ટેશનના આર્મ્સ એક્ટના ગુનામાં છેલ્લા લાંબા સમયથી પોલીસને થાપ આપી રહેલા વોન્ટેડ આરોપી મોહમદ શકિલ મોહમદ સાદીક ચૌહાણને બાતમીના આધારે ઝડપી લેવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ જ્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને ચોક્કસ હકીકત મળી હતી કે આર્મ્સ એક્ટના ગુનાનો વોન્ટેડ આરોપી હથિયાર સાથે દધિચી બ્રીજ પાસેથી પસાર થવાનો છે. આ બાતમીના આધારે પોલીસે સ્મશાનગૃહ તરફથી રિવરફ્રન્ટ જતા રોડ પર વોચ ગોઠવી હતી અને 32 વર્ષીય આરોપી મોહમદ શકિલ (રહે. ખારાવાસ, ત્રણબત્તી, પાલનપુર, જી. બનાસકાંઠા)ને પકડી પાડ્યો હતો.
પોલીસે આરોપી પાસેથી ગેરકાયદેસર રાખેલી એક નંગ લોખંડની પિસ્તોલ જેની કિંમત આશરે 25,000 રૂપિયા અને ત્રણ નંગ જીવતા કારતૂસ જેની કિંમત 300 રૂપિયા મળી આવ્યા હતા. આમ, પોલીસે કુલ 25,300 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમ 25(1-બી)એ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પકડાયેલ આરોપી મોહમદ શકિલ DCB પોલીસ સ્ટેશનના જ વર્ષ 2026ના અન્ય એક આર્મ્સ એક્ટના ગુનામાં પણ પોલીસ ચોપડે વોન્ટેડ હતો. આ પકડાયેલ હથિયાર તે ક્યાંથી લાવ્યો હતો અને તેનો ઉપયોગ કોઈ મોટી લૂંટ કે હત્યાના ગુનામાં કરવાનો હતો કે કેમ તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.
આરોપીનો ગુનાહિત ઇતિહાસ તપાસતા ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં તે અગાઉ પણ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે. વર્ષ 2015માં પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુના નોંધાયા હતા. આ ઉપરાંત, વર્ષ 2024માં પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ તેની સામે ગુના નોંધાયેલા છે. આમ, બનાસકાંઠાનો આ રીઢો ગુનેગાર અમદાવાદમાં કોઈ મોટી ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપે તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચે તેને હથિયાર સાથે દબોચી લઈને સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવી છે. હાલમાં પોલીસ આરોપીના અન્ય સાગરીતો અને હથિયાર સપ્લાય કરનાર નેટવર્કની ઊંડી તપાસ કરી રહી છે.