અમદાવાદમાં ક્રિપ્ટોના નામે ₹58.90 લાખની લૂંટ : દુબઈથી ચાલતા મસમોટા રેકેટનો થયો પર્દાફાશ, સાયબર ક્રાઈમ ACP હાર્દિક માકડિયાનું નિવેદન...
અમદાવાદ શહેરમાં ક્રિપ્ટોકરન્સીના નામે વધુ વળતર મેળવવાની ઘેલછામાં વધુ એક રોકાણકારને લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી નિર્દોષ લોકોને પોતાના શિકાર બનાવતી એક અત્યંત સંગઠિત આંતરરાષ્ટ્રીય ગેંગે અમદાવાદના એક જાગૃત નાગરિકને વિશ્વાસમાં લઈ અંદાજે ₹57.90 લાખની છેતરપિંડી આચરી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે સઘન તપાસ હાથ ધરીને લિંક જોડી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે આ સમગ્ર ખેલ દુબઈથી સંચાલિત થઈ રહ્યો હતો. પોલીસની ત્વરિત કાર્યવાહીના પરિણામે આ ગુનામાં સંડોવાયેલા છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેઓ આ મસમોટા કૌભાંડમાં સ્થાનિક સ્તરે નાણાકીય વ્યવહારો સંભાળતા હતા.
આ છેતરપિંડીની કાર્યપદ્ધતિ અત્યંત વ્યવસ્થિત હતી, જેમાં આરોપીઓએ સૌપ્રથમ ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ફરિયાદીનો સંપર્ક સાધ્યો હતો. આરોપીઓએ ફરિયાદીને "CBOE US" નામની એક મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી અને તેમને સમજાવ્યું હતું કે USDT (ક્રિપ્ટોકરન્સી) માં રોકાણ કરવાથી ટૂંકા ગાળામાં મોટો નફો મેળવી શકાય છે. રોકાણકારનો વિશ્વાસ જીતવા માટે શરૂઆતમાં એપ્લિકેશનમાં નફો દેખાડવામાં આવ્યો હતો, જેનાથી પ્રેરાઈને ફરિયાદીએ અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ ₹57,90,000 ટ્રાન્સફર કર્યા હતા. જોકે, જ્યારે ફરિયાદીએ પોતાની મુડી અને નફો પાછો ખેંચવાનો પ્રયત્ન કર્યો, ત્યારે આરોપીઓએ પલ્લો ઝાટક્યો હતો અને સંપર્ક તોડી નાખતા આખરે ભોગ બનનારને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.
સાયબર ક્રાઈમ ACP હાર્દિક માકડિયા
સાયબર ક્રાઈમ ACP હાર્દિક માકડિયાના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા આરોપીઓમાં તાહિર બેલીમ, અદનાન શેખ, એઝાઝ શેખ, ઓમકાર ગોસ્વામી, મકસુદ મિર્ઝા અને સન્ની મગ્ગોનો સમાવેશ થાય છે. આ ટોળકી મુખ્યત્વે બેંક એકાઉન્ટ પૂરા પાડવાનું કામ કરતી હતી અને આ ખાતાઓની તમામ વિગતો અને કંટ્રોલ દુબઈમાં બેઠેલા મુખ્ય સૂત્રધાર મયુર સાવલિયાને મોકલી આપતી હતી. પોલીસને તપાસ દરમિયાન એવા પાંચ શંકાસ્પદ બેંક ખાતાઓ મળી આવ્યા છે, જેમાંથી ₹1.5 કરોડથી વધુના વ્યવહારો થયા હોવાનું સામે આવ્યું છે. આશ્ચર્યજનક વાત એ છે કે આ જ બેંક ખાતાઓ સામે દેશભરમાં અલગ-અલગ સ્થળોએ 41 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી છે, જે સૂચવે છે કે આ ગેંગે રાષ્ટ્રીય સ્તરે અસંખ્ય લોકોને પોતાના શિકાર બનાવ્યા છે. હાલ પોલીસ મુખ્ય આરોપી મયુર સાવલિયા સુધી પહોંચવા અને આ નેટવર્કની વધુ ઉંડી કડીઓ શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.