અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચની મોટી સફળતા : ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે લાખોની છેતરપિંડી આચરતી આંતરરાજ્ય ગેંગના 6 આરોપી ઝડપાયા...
અમદાવાદ શહેર સાયબર ક્રાઈમ બ્રાંચ દ્વારા રોકાણકારોને લલચાવીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતી એક રીઢા ગુનેગારોની ટોળકીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. શહેર પોલીસ કમિશનર જી.એસ. મલીક, સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલ અને નાયબ પોલીસ કમિશનર લવીના સિન્હાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ તપાસમાં ક્રિપ્ટો કરન્સીમાં ઉંચા નફાની લાલચ આપી નિર્દોષ નાગરિકોને ખંખેરતી ગેંગના મહત્વના સાગરીતોને પકડી પાડવામાં આવ્યા છે. આ કેસની વિગત મુજબ, ફરીયાદીને ફેસબુકના માધ્યમથી મિત્રતા કેળવીને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ 'CBOE US' નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી USDT (ક્રિપ્ટો)માં રોકાણ કરવાના બહાને જુદા જુદા બેંક એકાઉન્ટમાં કુલ રૂ. 57,90,000 ભરાવડાવી છેતરપિંડી આચરવામાં આવી હતી. આ ગંભીર ગુનાની તપાસમાં ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી સાયબર ક્રાઈમની ટીમે બેંક ખાતાધારકોથી લઈ છેક દિલ્હી અને દુબઈ સુધી જોડાયેલા છેડાઓ શોધી કાઢ્યા છે.
આ ઓપરેશન દરમિયાન પોલીસે અમદાવાદ, અમરેલી અને દિલ્હીથી કુલ છ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં તાહીર ફેઝમોહમદ બેલીમ, અદનાન લીયાકતભાઇ શેખ, એઝાઝ જીલાનીભાઇ શેખ, ઓમકારભારતી ગોસ્વામી, મકસુદ રફીકભાઇ મિર્ઝા અને દિલ્હીના સન્ની અશોકકુમાર મગ્ગોનો સમાવેશ થાય છે. તપાસમાં બહાર આવ્યું છે કે, આ ટોળકીમાં દિલ્હીનો સન્ની મગ્ગો મુખ્ય કડી તરીકે કામ કરતો હતો, જે બેંક એકાઉન્ટની વિગતો દુબઈમાં બેઠેલા વોન્ટેડ આરોપી મયુર સાવલીયાને મોકલતો હતો. આ આરોપીઓ ભાડે રાખેલા કે બોગસ બેંક એકાઉન્ટ્સમાં છેતરપિંડીના નાણાં જમા કરાવતા હતા. પોલીસને તપાસ દરમિયાન 'ક્રિસ્ટલ ઇન્ટિરિયર ડિઝાઇનર્સ પ્રાઇવેટ લિમિટેડ' નામે ખોલાવેલા પાંચ બેંક એકાઉન્ટ્સ મળી આવ્યા છે, જેનો ઉપયોગ સાયબર ફ્રોડ માટે કરવામાં આવતો હતો.
પકડાયેલા આરોપીઓના બેંક એકાઉન્ટ્સની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ એકાઉન્ટ્સ દ્વારા માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના વિવિધ રાજ્યોમાં કુલ 41 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી છે અને અત્યાર સુધીમાં અંદાજે રૂ. 1 કરોડ 50 લાખના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન્સ મળી આવ્યા છે. બંધન બેંક, ઇન્ડસઇન્ડ બેંક, ICICI અને યસ બેંકમાં ખોલાવેલા આ ખાતાઓનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે છેતરપિંડીનું નેટવર્ક ચલાવવામાં આવતું હતું. આ સમગ્ર કામગીરીમાં પી.આઈ. પી.વી. વાઘેલા, પી.એસ.આઈ. જે.ડી. રાઠોડ અને તેમની ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે, જેના કારણે એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે અને હાલમાં દુબઈ સ્થિત મુખ્ય સૂત્રધાર મયુર સાવલીયાને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.