ચેતી જજો! અજાણી વ્યક્તિની સલાહ પર રોકાણ કરતા પહેલા આ કિસ્સો જરૂર વાંચજો, અમદાવાદના ડોક્ટર સાથે 69.53 લાખની થઈ છેતરપિંડી...
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા અને મૂળ રાજસ્થાનના વતની એવા 39 વર્ષીય તબીબ સાથે લાખો રૂપિયાની છેતરપિંડીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આજના આધુનિક યુગમાં જ્યારે ભણેલા-ગણેલા લોકો પણ સાયબર માફિયાઓની જાળમાં ફસાઈ રહ્યા છે, ત્યારે આ કિસ્સો લાલબત્તી સમાન છે. ટેલિગ્રામના માધ્યમથી શરૂ થયેલી એક સામાન્ય વાતચીત જોતજોતામાં 70.65 લાખ રૂપિયાના રોકાણ સુધી પહોંચી ગઈ હતી. ગઠિયાઓએ ડોક્ટરને વિશ્વાસમાં લેવા માટે એક એવી માયાજાળ રચી હતી જેમાં વેબસાઈટ પર ડોલરમાં નફો તો દેખાતો હતો, પરંતુ તે હકીકતમાં તબીબની આજીવનની કમાણી હડપવાનો એક પેંતરો માત્ર હતો.
આ છેતરપિંડીની શરૂઆત ત્યારે થઈ જ્યારે ડોક્ટરે ટેલિગ્રામ પર ફોરેક્સ ટ્રેડિંગ માટેની એક લિંક ઓપન કરી હતી. આ લિંક પર રજીસ્ટ્રેશન માટે આધાર કાર્ડ અને પાન કાર્ડ જેવી અંગત વિગતો ભરાવીને તેમનો વિશ્વાસ જીતવામાં આવ્યો હતો. ત્યારબાદ સંજના નામની એક યુવતીએ સતત સંપર્ક કરી ડોક્ટરને વધુ વળતરની લાલચ આપી રોકાણ કરવા પ્રેરીત કર્યા હતા. શરૂઆતમાં ડોક્ટરે વિશ્વાસ રાખીને 27 જૂનથી 16 જુલાઈ દરમિયાન 17.65 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ રકમ સામે વેબસાઈટ પર સતત નફો દેખાતો હોવાથી લાલચમાં આવીને તેમણે બીજા જ પખવાડિયામાં એટલે કે 17 જુલાઈથી 1 ઓગસ્ટ વચ્ચે વધુ 53 લાખ રૂપિયા ટુકડે-ટુકડે અલગ અલગ ખાતાઓમાં જમા કરાવ્યા હતા.
માત્ર 36 દિવસના ટૂંકા ગાળામાં ડોક્ટરે કુલ 70.65 લાખ રૂપિયા ઠગાઈ કરનારાઓના હવાલે કરી દીધા હતા. આશ્ચર્યની વાત એ છે કે, આ આખી રમત દરમિયાન જ્યારે ડોક્ટરે શરૂઆતમાં 27,285 અને 85,000 રૂપિયા ઉપાડ્યા ત્યારે તે રકમ પરત મળી હતી, જેના કારણે તેમનો ભરોસો દ્રઢ થયો હતો. વેબસાઈટ પર તેમનો કુલ નફો 2.35 લાખ ડોલર જેવો અધધ બતાવતો હતો. જોકે, જ્યારે તેમણે આ મોટી રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે ગઠિયાઓએ અસલી ખેલ શરૂ કર્યો અને ટેક્સ ભરવાના નામે વધુ પૈસાની માંગણી કરી. આ સમયે ડોક્ટરને અહેસાસ થયો કે તેઓ કોઈ મોટી છેતરપિંડીનો ભોગ બન્યા છે. અંતે, માત્ર 1.12 લાખ રૂપિયા જ પરત મેળવી શકનાર તબીબે 69.53 લાખ રૂપિયા ગુમાવતા સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે આ ટોળકીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.