April 1, 2026
ગુજરાત

અમદાવાદ : માસૂમ દીકરી સાથે પરણીતાને અડધી રાત્રે ઘરમાંથી કાઢી મૂકી, પતિ સહિત સાસુ-નણંદ સામે નોંધાઈ ફરિયાદ...

02:36:00 PM
Save
Mar 26, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>અમદાવાદ :</strong></span> માસૂમ દીકરી સાથે પરણીતાને અડધી રાત્રે ઘરમાંથી કાઢી મૂકી, પતિ સહિત સાસુ-નણંદ સામે નોંધાઈ ફરિયાદ...</p>

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતી એક પરણીતાએ પોતાના સાસરિયાઓ વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસની ગંભીર ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે. મેરેજ બ્યુરો દ્વારા નક્કી થયેલા આ લગ્નજીવનમાં માત્ર 15 દિવસમાં જ ગ્રહણ લાગી ગયું હતું, જ્યારે સાસરિયાઓએ અસલી સ્વરૂપ બતાવી દહેજમાં પ્લોટની માંગણી કરી હતી. પત્નીના ભવિષ્ય માટે પિતાએ પેટે પાટા બાંધીને જામનગરમાં પ્લોટ અપાવ્યો, પરંતુ લાલચુ સાસરિયાઓએ દગાથી તે પ્લોટ પોતાના નામે કરાવી લીધો હતો. આટલેથી ન અટકતા, પતિના અગાઉ થયેલા લગ્નની વાત છુપાવીને યુવતી સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનો પણ પર્દાફાશ થયો છે. દીકરીના જન્મ બાદ તો ત્રાસની સીમા વટાવી દેવામાં આવી હતી, જ્યાં માસૂમ બાળકી અને માતાને અડધી રાત્રે ઘરમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. હાલમાં આ પીડિતાએ અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ અને નણંદો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ગુનો નોંધાવ્યો છે.

ફરિયાદની વિગતો મુજબ, શાહીનબાનુના લગ્ન માર્ચ 2023માં જામનગરના મોહંમદ ઈસ્માઈલમીયા સાથે થયા હતા. લગ્ન સમયે પિતાએ શક્તિ મુજબ કરિયાવર અને દાગીના આપ્યા હોવા છતાં, સાસુએ પ્લોટ માટે દબાણ કર્યું હતું. પિતાએ દીકરીના નામે પ્લોટ લીધો તો સાસુએ "ધંધા પર લોન લેવી છે" તેમ કહી તે પ્લોટ પતિના નામે કરાવી લીધો હતો. જ્યારે આ સત્ય સામે આવ્યું ત્યારે સાસરિયાઓએ શાહીનબાનુને રૂમમાં પૂરીને ઢોર માર માર્યો હતો અને પિયરમાં જાણ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પતિ દારૂ પીને અવારનવાર મારઝૂડ કરતો અને અન્ય સ્ત્રીઓ સાથેના સંબંધોની વાતો જાહેરમાં કરતો હતો. એટલું જ નહીં, સાસુના અન્ય પુરુષ સાથેના સંબંધોનો વિરોધ કરતા શાહીનબાનુને "બાપના ઘરેથી નોકર લઈ આવ" તેમ કહી મેણાં મારવામાં આવતા હતા. નમાજ પઢતી વખતે પણ નણંદો લાત મારીને ઉભી કરી દેતી અને રાત્રે 1 વાગ્યે ચા-નાસ્તો બનાવવા જેવી અમાનવીય માંગણીઓ કરતી હતી.

પ્રેગ્નન્સી દરમિયાન પણ શાહીનબાનુને પૂરતું જમવાનું ન આપી શારીરિક કષ્ટ આપવામાં આવતું હતું. ડિસેમ્બર 2023માં દીકરી પરિનાઝનો જન્મ થતા સાસરિયાઓ વધુ ઉશ્કેરાયા હતા, કારણ કે તેઓને દીકરો જોઈતો હતો. તપાસમાં એ પણ બહાર આવ્યું કે પતિના આ બીજા લગ્ન હતા અને અગાઉના લગ્નમાં પણ દીકરી આવતા તેને છૂટાછેડા આપી દીધા હતા. જૂન 2024માં માંદગીની દવાના પૈસા માંગવા બાબતે થયેલા ઝઘડામાં પતિ અને સાસુએ શાહીનબાનુને તેની માસૂમ દીકરી સાથે માત્ર પહેરેલા કપડે ઘરની બહાર કાઢી મૂક્યા હતા. ત્યારથી પિયરમાં આશરો લઈ રહેલી શાહીનબાનુએ આખરે હિંમત ભેગી કરી પોલીસના દ્વાર ખખડાવ્યા છે. પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.