April 4, 2026
ગુજરાત

તાંત્રિક વિધિના ખોટા આક્ષેપો કરી પત્નીને માર મારનાર પતિ સામે કડક કાર્યવાહી : અમદાવાદની મહિલાને સાસરામાં રહેવાનો હક અને ભરણપોષણ ચૂકવવા કોર્ટે ફટકાર્યો આદેશ...

10:33:00 AM
Save
Apr 2, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>તાંત્રિક વિધિના ખોટા આક્ષેપો કરી પત્નીને માર મારનાર પતિ સામે કડક કાર્યવાહી : </strong></span>અમદાવાદની મહિલાને સાસરામાં રહેવાનો હક અને ભરણપોષણ ચૂકવવા કોર્ટે ફટકાર્યો આદેશ...</p>

અમદાવાદની મેજિસ્ટ્રેટ કોર્ટે ઘરેલું હિંસાના એક ગંભીર કિસ્સામાં સ્ત્રી શક્તિના પક્ષમાં મહત્ત્વપૂર્ણ ચુકાદો સંભળાવીને સાસરિયાઓ દ્વારા થતા માનસિક અને શારીરિક ત્રાસ સામે લાલ આંખ કરી છે. ઇસનપુર વિસ્તારની રહેવાસી એક પીડિતાએ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ ન્યાયની માંગ કરી હતી, જેના પ્રતિસાદમાં કોર્ટે સાસરિયાઓને પીડિતાના રહેણાંક વિસ્તારમાં પ્રવેશબંધી ફરમાવવા સહિત દર મહિને ₹12,000નું ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો છે. વર્ષ 2007માં રાજસ્થાન ખાતે હિન્દુ રીત-રિવાજ મુજબ લગ્નગ્રંથિથી જોડાયેલી આ મહિલાના જીવનમાં સંઘર્ષની શરૂઆત લગ્ન બાદ થોડા જ સમયમાં થઈ હતી. પિયર પક્ષ સાથેના સામાન્ય વિવાદમાં માફી માંગવા છતાં સાસરિયાઓએ વેરવૃત્તિ રાખીને મહિલાને માનસિક ટોર્ચર કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન પતિએ પણ ક્રૂરતાની હદ વટાવી દીધી હતી અને જ્યારે પતિને કમળો થયો ત્યારે તેની જવાબદારી પણ અંધશ્રદ્ધાને કારણે પત્નીના પિયર પક્ષ પર ઢોળી દેવામાં આવી હતી.

આ કેસમાં કમકમાટીભરી હકીકત ત્યારે સામે આવી જ્યારે ઘરમાં દેરાણીના આગમન બાદ ચઢામણી વધતા સાસરિયાઓએ મહિલા પર 'તાંત્રિક વિધિ' અને 'જાદુગર' હોવાના ગંભીર અને પાયાવિહોણા આક્ષેપો કર્યા હતા. પતિએ તો હદ વટાવીને પત્નીને એક રૂમમાં પૂરી દઈને માર માર્યો હતો અને પોલીસને ગેરમાર્ગે દોરવા માટે પત્ની આત્મહત્યાનો પ્રયાસ કરી રહી હોવાનું નાટક પણ રચ્યું હતું. જોકે, મહિલાએ હિંમત હાર્યા વગર પોલીસને સત્ય હકીકત જણાવી હતી. આ દરમિયાન સાસુના કેન્સરથી થયેલા અવસાન પાછળ પણ મહિલાના મેલીવિદ્યાના પ્રભાવનો આક્ષેપ મૂકીને તેને સમાજમાં બદનામ કરવામાં આવી હતી. રાજકીય વગ ધરાવતા પતિએ રાજસ્થાનના લોકલ મીડિયામાં પણ પત્નીની છબી ખરડવા પ્રયાસો કર્યા હતા અને બાળકોની શાળાની ફી ન ભરીને તેમનું ભાવિ પણ જોખમમાં મૂક્યું હતું.

કોર્ટ સમક્ષ ચાલેલી દલીલોમાં એ બાબત સ્પષ્ટ થઈ હતી કે પતિ બ્યુટી ટ્રીટમેન્ટના વ્યવસાય દ્વારા લાખોની કમાણી કરે છે અને અમદાવાદમાં કરોડોની મિલકતો ધરાવે છે, છતાં તે પત્ની અને બાળકોની જવાબદારી નિભાવવામાં સદંતર નિષ્ફળ રહ્યો હતો. બીજી તરફ પીડિતા પિયરમાં અત્યંત લાચારીમાં જીવન ગુજારતી હતી. તમામ પુરાવાઓ અને સાક્ષીઓને ધ્યાને રાખીને કોર્ટે નોંધ્યું કે મહિલા પર થયેલા અત્યાચાર સાચા છે. આથી, કોર્ટે હુકમ કર્યો કે મહિલા તેના બે બાળકો સાથે તેના સસરાની માલિકીના ઘરમાં જ રહેશે અને સાસરિયાઓ ત્યાં પ્રવેશ કરી શકશે નહીં. આ ઉપરાંત, પતિની આવક ધ્યાને રાખીને તેને અરજીની તારીખથી માસિક ₹12,000 ભરણપોષણ, ₹50,000 માનસિક યાતનાનું વળતર અને સ્ત્રીધન પરત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે, જે પીડિત મહિલા માટે ન્યાયનો મોટો વિજય ગણાય રહ્યો છે.