મોતનું કારણ શું? અમદાવાદમાં ઢોસાના ખીરાથી બે બાળકીઓના મોત બાદ જમીનમાંથી બહાર કાઢવામાં આવ્યો મૃતદેહ, પોલીસ તપાસ તેજ
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ખીરું ખાવાથી થયેલા બે માસૂમ બાળકીઓના રહસ્યમય મોતની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી છે. આ મામલે હવે એક નવો વળાંક આવ્યો છે, જેમાં સત્ય જાણવા માટે પોલીસ અને એફએસએલ (FSL)ની ટીમ દ્વારા અઢી મહિનાની બાળકીના મૃતદેહને દફનવિધિ બાદ ફરી બહાર કાઢવામાં આવ્યો છે. ચાંદખેડાના આઈઓસી રોડ પર આવેલી ઘનશ્યામ ડેરીમાંથી લાવવામાં આવેલા ખીરાના સેવન બાદ એક જ પરિવારના ચાર સભ્યોની તબિયત લથડી હતી તેવો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, જેમાં 4 વર્ષની મિશ્રી અને માત્ર 3 મહિનાની રાહાનું કરુણ મોત નિપજ્યું હતું. આ ગંભીર ઘટના બાદ જ્યારે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બહાર કાઢવામાં આવ્યો ત્યારે સ્થાનિકોના મોટા ટોળા ઉમટી પડ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં ભારે શોકની લાગણી જોવા મળી હતી.
તૈયાર ખીરામાંથી બનાવેલા ઢોસા જીવલેણ સાબિત થયા અને આખું પરિવાર હોસ્પિટલ ભેગું થયું, પરિવારના આક્ષેપો
આ કમનસીબ ઘટનાની શરૂઆત 1 એપ્રિલના રોજ થઈ હતી, જ્યારે મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ સ્થાનિક ડેરીમાંથી ઢોસાનું તૈયાર ખીરું લાવ્યા હતા. પરિવારના સભ્યોએ આ ખીરામાંથી બનાવેલી વાનગી ખાધી હતી, જેના બીજા દિવસથી જ તમામને સતત ઉલ્ટીઓ અને ફૂડ પોઈઝનિંગના લક્ષણો દેખાવા લાગ્યા હતા.
પરિવારજનોના જણાવ્યા અનુસાર, પહેલા તો સામાન્ય સારવાર લેવામાં આવી હતી પરંતુ તબિયત વધુ બગડતા વિમલભાઈ અને તેમના પત્ની ભાવનાબેનને એસજી હાઈવે પર આવેલી કેડી (KD) હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, બંને માસૂમ બાળકીઓ આ અસર સામે લડી શકી નહીં અને તેમણે દમ તોડી દીધો હતો.
ડેરી સંચાલકનું નિવેદન અને પોલીસની ઝીણવટભરી તપાસ
બીજી તરફ, આ મામલે ચાંદખેડા પોલીસ અને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. ઘનશ્યામ ડેરીના માલિક કેતન પટેલે પોતાનો પક્ષ રાખતા જણાવ્યું હતું કે, તેઓ દરરોજ 100 થી 125 કિલો ખીરું વેચે છે અને તે જ દિવસે અન્ય અનેક ગ્રાહકો તથા તેમના સંબંધીઓએ પણ તે ખીરું ખાધું હતું, છતાં કોઈને તકલીફ થઈ નથી. 
જોકે, પોલીસ અધિકારી જે. કે. મકવાણાએ જણાવ્યું હતું કે 5 એપ્રિલના રોજ વિપુલકુમાર ગૌરીશંકર પ્રજાપતિએ અમને જાણ કરી હતી કે તેમની 3 વર્ષની દીકરી મિશ્રીનું મૃત્યું થયું છે. જે બાબતે અમે પૂછપરછ કરતાં તેમણે કહ્યું હતું કે ગત 1 એપ્રિલના રોજ IOC રોડ પર આવેલી ઘનશ્યામ ડેરીમાંથી ખીરું લીધું હતું.અને તેમાંથી ઢોસા બનાવીને તેમણે પરિવાર સાથે ખાધા હતા. બીજા દિવસે 2 એપ્રિલના રોજ પણ તેમણે અને તેમના પરિવાર એ જ ખીરામાંથી ઢોસા બનાવીને ખાધા હતાં. જેના કારણે ફૂડ પોઈઝનિંગ થતાં પરિવારની તબિયત લથડી હતી. જેની પ્રથમ સામાન્ય સારવાર લીધી હતી. જેનાથી ફર્ક પડી જતા તેઓ પછી આગળ દવાખાને ગયા નહોતા. જોકે પાછળથી તબિયત ખરાબ થતાં તેમણે KD હોસ્પિટલમાં સારવાર લીધી હતી.
હાલમાં બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરીને રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે કે આ મોત ખીરામાં રહેલા કોઈ ઝેરી તત્વને કારણે થયા છે કે પછી અન્ય કોઈ કારણ જવાબદાર છે.