ચોટીલા દર્શન કરીને ઘરે પહોંચે તે પહેલા જ કાળ આંબી ગયો: ટ્રિપલ અકસ્માતમાં અમદાવાદના પરિવારમાં માતમ, બેનાં મોતથી અરેરાટી
રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર આજે સવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. ચોટીલાથી આશરે સાત કિલોમીટર દૂર સ્વિફ્ટ કાર, પીકઅપ વાન અને ટ્રક વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં અમદાવાદના એક જ પરિવારના બે સભ્યોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. આ ટ્રિપલ અકસ્માત એટલો ભયાનક હતો કે કારના કુરચેકુરચા બોલી ગયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદના સૈજપુર વિસ્તારમાં રહેતો ઠાકોર પરિવાર ચૈત્રી નવરાત્રીના પવિત્ર અવસરે ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવા ગયો હતો.
ભક્તિભાવ પૂર્વક દર્શન કરીને પરિવાર જ્યારે પરત ફરી રહ્યો હતો, ત્યારે હાઈવે પર ઉભેલા એક ટ્રકની પાછળ પીકઅપ વાન અને તેની પાછળ પૂરઝડપે આવી રહેલી સ્વિફ્ટ કાર ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત બાદ હાઈવે પર ચીચીયારીઓ ગુંજી ઉઠી હતી અને સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા.આ ગમખ્વાર દુર્ઘટનામાં ઠાકોર પરિવારના જેમાં સોનાલીબેન હર્ષદભાઈ ઠાકોર (ઉં.વ. 28) અને આશિષ રણજીતભાઈ ઠાકોર (ઉં.વ. 16) સભ્યોએ જીવ ગુમાવ્યા છે.
જ્યારે અન્ય ત્રણ સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોમાં કલ્પેશભાઈ ઠાકોર (29), હર્ષદભાઈ ઠાકોર (30) અને માસૂમ બાળક દિવ્યાંશ હર્ષદભાઈ ઠાકોર (3) નો સમાવેશ થાય છે. અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો.
ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ચોટીલા સિવિલ હોસ્પિટલ મોકલી આપી અકસ્માત અંગે કાયદેસરની તપાસ હાથ ધરી છે. ચૈત્રી નવરાત્રીના પ્રારંભે જ માતાજીના દર્શન કરીને પરત ફરતા પરિવાર પર આભ ફાટતા સમગ્ર સૈજપુર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.