April 3, 2026
ક્રાઈમ

નજર ચૂકવીને ખિસ્સું કાપવાની નવી રીત : અમદાવાદમાં સ્પીકર બદલવાના બહાને ગઠિયાઓ પાણીપુરીવાળાના બેંક ખાતામાંથી ₹45,000 ઉપાડી ગયા... 

11:13:00 AM
Save
Apr 1, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>નજર ચૂકવીને ખિસ્સું કાપવાની નવી રીત : </strong></span>અમદાવાદમાં સ્પીકર બદલવાના બહાને ગઠિયાઓ પાણીપુરીવાળાના બેંક ખાતામાંથી ₹45,000 ઉપાડી ગયા... </p>

અમદાવાદ : શહેરમાં સાયબર અપરાધીઓનો આતંક હવે સામાન્ય લારી-ગલ્લાવાળાઓ સુધી પહોંચી ગયો છે, જેમાં છેતરપિંડીની એક ચોંકાવનારી પદ્ધતિ સામે આવી છે. અમદાવાદના બાકરોલ સર્કલ પાસે 'આકાશ પકોડી સેન્ટર' ચલાવતા 20 વર્ષીય રાજેશભાઈ હરિભાઈ પટેલ નામના યુવક સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ઘટના બની છે. ગત 26 જાન્યુઆરીના રોજ જ્યારે આખો દેશ ગણતંત્ર દિવસની ઉજવણીમાં મગ્ન હતો, ત્યારે બે અજાણ્યા શખ્સોએ ઓનલાઇન પેમેન્ટ કંપનીના પ્રતિનિધિ હોવાનો ઢોંગ રચીને રાજેશભાઈને નિશાન બનાવ્યા હતા. આ ગઠિયાઓએ વેપારીના બંધ પડેલા સાઉન્ડ સ્પીકરને બદલી આપવાની લાલચ આપી હતી, જે રાજેશભાઈ માટે આર્થિક ફટકો સાબિત થઈ હતી.

ઘટનાની વિગતો મુજબ, બપોરના સમયે આવેલા આ બે ગઠિયાઓએ પોતે ડિજિટલ પેમેન્ટ કંપનીમાંથી આવ્યા હોવાની ઓળખ આપી રાજેશભાઈને નવો QR કોડ અને સ્પીકર આપવાની વાત કરી હતી. રાજેશભાઈનું જૂનું સ્પીકર બંધ હોવાથી તેઓ આ શખ્સોની વાતોમાં આવી ગયા હતા. ગઠિયાઓએ ખૂબ જ ચાલકીપૂર્વક 'એક્સચેન્જ રિક્વેસ્ટ' નાખવાના બહાને રાજેશભાઈ પાસે તેમના જ ફોનમાંથી 1 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરાવ્યું હતું. આ નાનકડા વ્યવહાર દરમિયાન તકની શોધમાં બેઠેલા શખ્સોએ રાજેશભાઈનો ગુપ્ત UPI પિન ચોરીછૂપીથી જોઈ લીધો હતો. આ પ્રથમ તબક્કાની જાળ બિછાવ્યા બાદ બંને શખ્સો 'નવું સ્પીકર લઈને હમણાં જ આવીએ છીએ' તેમ કહીને ત્યાંથી રવાના થઈ ગયા હતા.

જોકે, સાંજ પડતા આ છેતરપિંડીનો બીજો અંક શરૂ થયો હતો. સાંજે પાંચ વાગ્યે આ બંને ગઠિયાઓ ફરીથી લારી પર ત્રાટક્યા હતા અને સ્પીકર એક્સચેન્જનો ચાર્જ હજુ ચાલુ હોવાનું કહી ફોન-પે ચેક કરવાના બહાને રાજેશભાઈનો મોબાઈલ પોતાના હાથમાં લીધો હતો. અગાઉથી પિન જાણી લીધો હોવાથી, આ શખ્સોએ રાજેશભાઈની નજર ચૂકવીને તેમના બેંક ખાતામાંથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ 45,000 રૂપિયા સેરવી લીધા હતા. પોતાની પોલ ન ખુલે તે માટે ગઠિયાઓએ અત્યંત હોશિયારી વાપરીને મોબાઈલમાંથી પેમેન્ટ એપ્લિકેશન ડિલીટ કરી નાખી હતી અને બેંકમાંથી આવેલા ડેબિટ મેસેજ પણ ડિલીટ કરી નાખ્યા હતા.

સાંજે સાત વાગ્યાની આસપાસ જ્યારે રાજેશભાઈને શંકા ગઈ અને તેમણે ફરીથી એપ્લિકેશન ડાઉનલોડ કરીને બેંક હિસ્ટ્રી તપાસી, ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ખાતામાંથી 45,000 રૂપિયા ગાયબ હોવાનું જણાતા તેમણે તુરંત સાયબર ક્રાઈમ હેલ્પલાઈનનો સંપર્ક કર્યો હતો. આ મામલે પ્રાથમિક તપાસ બાદ હવે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ડિજિટલ પેમેન્ટના યુગમાં અજાણ્યા વ્યક્તિને ફોન સોંપવો કે તેમની સામે પિન દાખલ કરવો કેટલો જોખમી સાબિત થઈ શકે છે. હાલ પોલીસ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ ભેજાબાજ ટોળકીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.