મારુતિ નંદનના જન્મોત્સવ પૂર્વે જય બજરંગબલીના નાદથી ગુંજી ઉઠ્યું અમદાવાદ : CM ભૂપેન્દ્ર પટેલે શ્રીફળ વધેરી કેમ્પ હનુમાનની ભવ્ય શોભાયાત્રાનું કરાવ્યુ પ્રસ્થાન...
અમદાવાદના આંગણે હનુમાન જન્મોત્સવના પાવન પર્વ પૂર્વે ભક્તિ અને શક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો, જ્યારે શહેરના સુપ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિર ખાતેથી એક અત્યંત ભવ્ય અને આકર્ષક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર યાત્રાનો પ્રારંભ કરાવવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ વિધિવત રીતે પૂજા-અર્ચના કરી, શ્રીફળ વધેરી રથને પ્રસ્થાન કરાવી ભક્તોનો ઉત્સાહ બેવડાવ્યો હતો. આ પ્રસંગે કેમ્પ હનુમાન મંદિરનું વાતાવરણ 'જય શ્રી રામ' અને 'જય હનુમાન'ના ગુંજારવથી ગાજી ઉઠ્યું હતું અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દાદાના દર્શન અને આ યાત્રામાં સહભાગી થવા માટે ઉમટી પડ્યા હતા.
આ શોભાયાત્રા કેમ્પ હનુમાન મંદિરથી શરૂ થઈને છેક વાસણા સ્થિત વાયુદેવતા મંદિર સુધીના આશરે 16 કિલોમીટર લાંબા રૂટ પર શ્રદ્ધાની સુવાસ ફેલાવશે. આ ભવ્ય આયોજનમાં આકર્ષણના કેન્દ્ર તરીકે હનુમાનજીનો દિવ્ય રથ, મહાકાય ગદા, પરંપરાગત ઊંટગાડીઓ અને ઘોડાગાડીઓ સામેલ કરવામાં આવી છે.
આ સાથે જ ભક્તો માટે પ્રસાદનું વિતરણ કરતું વિશેષ વાહન અને 200થી વધુ બાઈક સવારોની રેલી આ યાત્રાની શોભામાં અભિવૃદ્ધિ કરી રહી છે. સમગ્ર માર્ગ પર ઠેર-ઠેર હનુમાનજીના જીવન પ્રસંગોને જીવંત કરતા વિવિધ ટેબલો રજૂ કરવામાં આવ્યા છે, જે નાના-મોટા સૌ શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
શ્રદ્ધાળુઓના ઉત્સાહને વધાવવા અને યાત્રાનું સ્વાગત કરવા માટે સમગ્ર રૂટ દરમિયાન 50થી વધુ સ્થળોએ ભવ્ય સ્વાગત કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે. આ યાત્રા કેમ્પ હનુમાનથી નીકળીને ડફનાળા, શાહીબાગ અંડરબ્રિજ અને પોલીસ કમિશનર કચેરી જેવા મહત્વના વિસ્તારોમાંથી પસાર થઈને ઇન્કમટેક્સ તથા આશ્રમ રોડ થઈ વાસણા ખાતે સંપન્ન થશે. રસ્તામાં આવતા ભક્તો દ્વારા પુષ્પવર્ષા અને આરતી ઉતારીને દાદાના રથનું ભાવભીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ શોભાયાત્રાને પગલે સમગ્ર અમદાવાદ શહેર જાણે કેસરીયા રંગે રંગાયું હોય અને હનુમાન ભક્તિમાં લીન થયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.