અમદાવાદના હિમાલયા મોલમાં સેક્સ રેકેટ ઝડપાયું, વસ્ત્રાપુર પોલીસે યુવતીઓને આઝાદ કરાવી
અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પોશ વસ્ત્રાપુરના હિમાલયા મોલમાં મસાજ પાર્લરની આડમાં ચાલતા અનૈતિક દેહવ્યાપારના કૌભાંડને પોલીસે ઝડપી પાડ્યું છે. વસ્ત્રાપુર પોલીસ દ્વારા પાડવામાં આવેલા આ દરોડામાં અલગ-અલગ ત્રણ રાજ્યોની યુવતીઓને મુક્ત કરાવી, આરોપીઓ સામે અનૈતિક ટ્રાફિકિંગ નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે હિમાલયા મોલના બીજા માળે આવેલા એક સ્પા સેન્ટરમાં સ્પા અને મસાજની આડમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે.
બાતમીની ચોકસાઈ કરવા માટે પોલીસે એક ‘ડમી ગ્રાહક’ તૈયાર કરી સ્પામાં મોકલ્યો હતો. ત્યાં દેહવ્યાપાર ચાલતો હોવાની પુષ્ટિ મળતા જ પોલીસની ટીમે ત્રાટકીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરોડા દરમિયાન સ્પાની અંદરથી મિઝોરમ, દિલ્હી અને ત્રિપુરાની વતની એવી ત્રણ મહિલાઓ મળી આવી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું કે, સ્પા મેનેજમેન્ટ દ્વારા આ યુવતીઓને અહીં રાખવામાં આવી હતી અને પ્રતિ ગ્રાહક આશરે એક હજાર રૂપિયા વસૂલવામાં આવતા હતા. પોલીસ દ્વારા સ્થળ પરથી ઉત્તર પ્રદેશના વતની એવા સ્ટાફ સભ્ય સન્ની સંતોષની અટકાયત કરવામાં આવી છે.
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે, સ્પા ઇર્શાદ એસ. સૈયદ દ્વારા ચલાવવામાં આવતો હતો, જે બહારના રાજ્યોમાંથી યુવતીઓને બોલાવીને દેહવ્યાપારના ધંધામાં ધકેલતો હતો. દરોડા સમયે માલિક હાજર ન હોવાથી તે હાલ પોલીસ પકડથી દૂર છે. પોલીસે સ્પાના સીસીટીવી ફૂટેજ મેળવવા માટે ડિજિટલ વિડિયો રેકોર્ડર અને અન્ય ઇલેક્ટ્રોનિક પુરાવાઓ જપ્ત કર્યા છે.બચાવવામાં આવેલી મહિલાઓને કાનૂની જોગવાઈ મુજબ કાઉન્સેલિંગ માટે મોકલવામાં આવી છે.