અમદાવાદ : પૈસાના વિવાદમાં પતિ બન્યો હેવાન, ઉછીના લીધેલા પૈસા પત્નીએ પાછા માંગ્યા તો પતિએ બેટથી કર્યો હુમલો, દીકરીને પણ માર માર્યો...
અમદાવાદના રાણીપ વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં સંબંધોના લોહી કરતા પૈસાની કિંમત વધુ હોવાનું સાબિત થયું છે. રાણીપમાં રહેતા અને વ્યાજનો વ્યવસાય કરતા નરેન્દ્રભાઈએ (નામ બદલ્યું છે) પોતાની પત્ની સીમાબેન (નામ બદલ્યું છે) અને 17 વર્ષની સગીર દીકરી પર જીવલેણ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ઘટનાની વિગત : રવિવારની બપોર લોહીલુહાણ બની
આ લોહીલુહાણ જંગ પાછળનું કારણ માત્ર એટલું જ હતું કે સીમાબેને તેમના ફઈ પાસેથી ઉછીના લીધેલા 20 લાખ રૂપિયા પરત માંગ્યા હતા. ગત 5 એપ્રિલની બપોરે જ્યારે સીમાબેન ઘરે હતા, ત્યારે નરેન્દ્રભાઈએ અચાનક ઉશ્કેરાઈને ગાળાગાળી શરૂ કરી હતી અને જોતજોતામાં આવેશમાં આવી જઈ ઘરમાં પડેલો મેટલનો વજનદાર શો-પીસ સીમાબેનના માથામાં ઝીંકી દીધો હતો. એટલું જ નહીં, જાણે ખૂન સવાર થયું હોય તેમ નરેન્દ્રભાઈએ ક્રિકેટના બેટ વડે પત્નીને ઢોરની જેમ ઝૂડી નાખી હતી. આ ભયાનક દ્રશ્ય જોઈ માતાને બચાવવા વચ્ચે પડેલી 17 વર્ષની દીકરીને પણ પિતાએ રહેમ રાખ્યા વગર ફટકારી હતી.
દીકરીની સતર્કતાથી બચાવ, આરોપી પતિ ફરાર
અંતે દીકરીએ હિંમત દાખવી પોલીસને ફોન કરતા આરોપી પતિ ત્યાંથી ફરાર થઈ ગયો હતો, જે બાદ ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
પીડિતાની વ્યથા
હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલા સીમાબેને સાસરી પક્ષના કાળા કરતૂતોનો પર્દાફાશ કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો છે કે પતિ નરેન્દ્રભાઈ, જેઠ અને સાસુ તેને છેલ્લા ઘણા સમયથી શારીરિક અને માનસિક ત્રાસ આપી રહ્યા છે. પતિએ માત્ર મારપીટ જ નથી કરી, પરંતુ સીમાબેનની મહેનતની કમાણીથી શરૂ કરેલી ચાંદીની દુકાન પણ પચાવી પાડી છે અને તેમના નામે રહેલા બે-ત્રણ મકાનો વેચીને લાખો રૂપિયા ઓળવી લીધા છે. પીડિતાએ વધુમાં ગંભીર આક્ષેપ કર્યો હતો કે તેના પતિએ અન્ય યુવતી સાથે બીજા લગ્ન પણ કરી લીધા છે અને અગાઉ તેને બે વખત આત્મહત્યા કરવા માટે મજબૂર કરવામાં આવી હતી. જ્યારે સીમાબેનનો ભાઈ ફઈના 20 લાખ રૂપિયા પરત માંગવા આવ્યો ત્યારે આરોપીએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી ઘરમાંથી બહાર કાઢી મૂક્યો હતો. આ સમગ્ર અત્યાચારના વિડીયો અને ફોટા રૂપી પુરાવા પણ પીડિતા પાસે મોજૂદ છે.
પોલીસની કાર્યવાહી
પોલીસે આ ઘટના અંગે જણાવ્યું કે, ગઈકાલે અમે મહિલાની ફરિયાદને આધારે તેના પતિની ધરપકડ કરી છે. હવે પંચનામા માટે મહિલાનો જવાબ લેવામાંની અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.