અમદાવાદમાં ઈદના તહેવારે વિરોધ પ્રદર્શન.... ઉત્તરાખંડમાં ભલે પસાર થયું, ગુજરાતમાં UCC ચલાવી લેવામાં નહીં આવે - પ્રદર્શનકારીઓની ચીમકી
ગુજરાત વિધાનસભામાં ટૂંક સમયમાં સમાન નાગરિક સંહિતા (UCC) બિલ પસાર થવાની શક્યતાઓ વચ્ચે આજે અમદાવાદમાં તેનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો. રમઝાન ઈદના પવિત્ર તહેવારના દિવસે જ શહેરની ઐતિહાસિક જુમ્મા મસ્જિદ બહાર AIMIM પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સૂત્રોચ્ચાર અને બેનરો સાથે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જોકે, પોલીસ પરવાનગી વિના વિરોધ કરી રહેલા તમામ કાર્યકરોની પોલીસે સ્થળ પરથી અટકાયત કરી હતી AIMIMના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જુમ્મા મસ્જિદ પાસે એકઠા થયા હતા અને 'UCC હટાવો દેશ બચાવો', 'UCC રદ કરો' જેવા લખાણવાળા બેનરો દર્શાવી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.
પ્રદર્શનકારીઓનું કહેવું હતું કે આ કાયદો દેશની વિવિધતા અને સંસ્કૃતિની વિરુદ્ધ છે, તેથી તેને તાત્કાલિક અસરથી નાબૂદ કરવો જોઈએ.વિરોધ પ્રદર્શનમાં સામેલ મહિલા કાર્યકરોએ જણાવ્યું હતું કે, અમે અમારી શરીયત અને ધાર્મિક પરંપરાઓ સાથે કોઈ બાંધછોડ કરવા માંગતા નથી. ઉત્તરાખંડમાં ભલે આ બિલનો વિરોધ ન થયો હોય, પરંતુ અમે ગુજરાતમાં રહીએ છીએ અને અહીં અમે તેનો સખત વિરોધ કરીશું.
પ્રદર્શનકારીઓએ આક્ષેપ કર્યો હતો કે આ બિલ મૂળભૂત અધિકારો પર તરાપ સમાન છે.આ વિરોધ પ્રદર્શન માટે કોઈ પણ પ્રકારની આગોતરી પોલીસ પરવાનગી લેવામાં આવી ન હતી. તહેવારના દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હતી. વિરોધ કરી રહેલા પુરુષ અને મહિલા કાર્યકર્તાઓને અટકાયતમાં લઈને પોલીસ મથકે ખસેડવામાં આવ્યા હતા. હાલ સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે.