અમદાવાદના કાંકરિયામાં ચાલુ ટોય ટ્રેનમાં ચડવા જતાં બાળક પટકાયું, મોટી આફત ટળી
અમદાવાદના પ્રખ્યાત પ્રવાસન સ્થળ કાંકરિયા લેકફ્રન્ટ ખાતે રમઝાન ઈદના તહેવારની રજા માણવા ઉમટેલી ભારે ભીડ વચ્ચે શનિવારે ભયાનક દુર્ઘટના ઘટતા રહી ગઈ છે. ટોય ટ્રેનમાં મુસાફરી કરવાના ઉત્સાહમાં અને ભીડનો લાભ ઉઠાવી જોખમી રીતે ચાલુ ટ્રેનમાં ચડવા જતાં એક સગીર બાળક નીચે પટકાયું હતું. સદનસીબે બાળક પાટાની બહારની તરફ ફેંકાયું હોવાથી તેનો આબાદ બચાવ થયો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ ઘટનાના વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, ઈદ નિમિત્તે કાંકરિયામાં મુલાકાતીઓનો મહેરામણ ઉમટ્યો હતો.
ટોય ટ્રેનમાં ક્ષમતા કરતા વધુ ભીડ હોવા છતાં કેટલાક ઉત્સાહી યુવકો અને બાળકો ડબ્બાઓ પર લટકીને જોખમી મુસાફરી કરી રહ્યા હતા. આ અફરાતફરીમાં ચાલુ ટ્રેને ચડવા-ઉતરવાના પ્રયાસમાં એક સગીરે સંતુલન ગુમાવ્યું હતું અને જમીન પર પટકાયો હતો, જેને જોઈ હાજર લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.કાંકરિયા પરિસરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સિક્યુરિટી અને બંદોબસ્ત હોવા છતાં લોકોના આવા બેજવાબદાર વર્તનને રોકવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાની ચર્ચા જાગી છે. ભીડનો લાભ લઈને કેટલાક મુલાકાતીઓ ટિકિટ વગર જ ટ્રેનમાં ચડીને જોખમ ખેડી રહ્યા હતા, જે તંત્રની દેખરેખ અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કરે છે.
આ ઘટનાના વીડિયો વાયરલ થયા બાદ અને મામલો ગંભીર બનતા કાંકરિયા પરિસરના સત્તાધીશો એક્શનમાં આવ્યા છે. સત્તાવાળાઓ દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે સિક્યુરિટીમાં ક્યાં ખામી રહી ગઈ તેની સમીક્ષા કરવામાં આવશે. તંત્ર દ્વારા મુલાકાતીઓને નમ્ર અપીલ કરવામાં આવી છે કે, ઉત્સાહમાં આવીને પોતાના કે બાળકોના જીવ જોખમમાં ન મૂકે. ખાસ કરીને ચાલુ ટ્રેનમાં ચડવા કે ઉતરવા જેવા જોખમી સાહસો ટાળવા જોઈએ. કાંકરિયામાં રજાઓના દિવસોમાં ભીડને નિયંત્રિત કરવા માટે આગામી સમયમાં વધુ ચુસ્ત પગલાં લેવામાં આવશે.