અમદાવાદમાં રિક્ષામાં પશુ માંસની તસ્કરી, ગૌરક્ષકોએ રિક્ષાચાલકને ઢોર માર માર્યો, પોલીસ પહોંચે તે પહેલા સ્થિતિ તંગ
અમદાવાદ શહેરના કુબેરનગર વિસ્તારમાં આજે પશુ માંસની ગેરકાયદેસર હેરાફેરી કરવાનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સ્થાનિક ગૌરક્ષકોને મળેલી ચોક્કસ બાતમીના આધારે એક શંકાસ્પદ રિક્ષાને અટકાવવામાં આવી હતી. તપાસ દરમિયાન રિક્ષામાંથી પશુ માંસનો મોટો જથ્થો મળી આવતા વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ગૌરક્ષકો દ્વારા જ્યારે રિક્ષાની તલાશી લેવામાં આવી ત્યારે તસ્કરીની અનોખી રીત જોઈ સૌ ચોંકી ગયા હતા.
રિક્ષાચાલકે ડ્રાઇવર સીટની નીચે અને પાછળના ભાગે સીટમાં ખાસ પ્રકારના ખાના બનાવીને પશુ માંસના ટુકડા છુપાવ્યા હતા. આટલું જ નહીં, રિક્ષામાંથી પશુની કતલ કરવા માટે વપરાતું એક તીક્ષ્ણ ખંજર પણ મળી આવ્યું હતું, જે આ ગુનાહિત પ્રવૃત્તિની પુષ્ટિ કરતું હતું. રિક્ષામાંથી માંસના ટુકડા અને હથિયાર મળી આવતા સ્થળ પર હાજર ગૌરક્ષકો અને સ્થાનિક લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ રિક્ષાચાલકને પકડીને જાહેરમાં ઢોર માર મારવાનું શરૂ કર્યું હતું.
આ હિંસક ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં રિક્ષાચાલકને નિર્દયતાથી ફટકારાતા તે લોહીલુહાણ હાલતમાં જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો કુબેરનગર પહોંચી ગયો હતો. પોલીસે ઉશ્કેરાયેલા ટોળામાંથી રિક્ષાચાલકને છોડાવીને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. સ્થિતિ વધુ વણસે નહીં તે માટે વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને લોકોને કાયદો હાથમાં ન લેવા અપીલ કરવામાં આવી છે.
આ મામલે સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરએ જણાવ્યું હતું કે, રિક્ષામાંથી મળી આવેલા માંસના જથ્થાને જપ્ત કરી લેવામાં આવ્યો છે. આ માંસ કયા પશુનું છે તે ચોક્કસપણે જાણવા માટે તેને એફએસએલમાં પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યું છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ પશુ માંસ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને તેને કયા સ્થળે પહોંચાડવાનું હતું. પ્રાથમિક તપાસમાં આ એક મોટા રેકેટનો ભાગ હોવાનું જણાય છે.
રિક્ષાચાલકની પૂછપરછ બાદ આ ગેરકાયદેસર કતલખાના અને માંસ વેચાણના નેટવર્ક સાથે જોડાયેલા અન્ય શખ્સોના નામ પણ ખુલે તેવી શક્યતા છે.અમદાવાદના ભરચક વિસ્તારમાં દિવસે-દિવસે વધી રહેલી આવી પ્રવૃત્તિઓએ કાયદો અને વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ ચિન્હ મૂક્યા છે. બીજી તરફ, ગૌરક્ષકો દ્વારા ચાલકને માર મારવાની ઘટના અંગે પણ પોલીસ અલગથી તપાસ કરી રહી છે. હાલમાં પોલીસે રિક્ષા જપ્ત કરી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને સમગ્ર વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે.