અમદાવાદ : LCB ઝોન-1એ બે ચોરેલા એક્ટિવા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો, બે સાગરીતો ફરાર...
અમદાવાદ શહેરમાં મિલકત સબંધી ગુનાખોરીને નાબૂદ કરવાના મક્કમ નિર્ધાર સાથે પોલીસ કમિશનર દ્વારા અપાયેલા આદેશોને પગલે LCB ઝોન-1ની ટીમે એક મોટી સફળતા હાંસલ કરી છે. અધિક પોલીસ કમિશનર સેક્ટર-1 નીરજ બડગુજર અને નાયબ પોલીસ કમિશનર ઝોન-1 ડો. હર્ષદકુમાર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ અને ગુનાશોધકની કાર્યવાહી તેજ કરવામાં આવી હતી. આ દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ અને કારંજ પોલીસ સ્ટેશનની હદમાંથી ચોરી થયેલા વાહનોના કિસ્સામાં LCB ઝોન-1ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી.કે. ચાવડાની સૂચનાથી સ્ટાફ કાર્યરત હતો. આ તપાસ દરમિયાન અ.હે.કો. અરવિંદ ડાહ્યાભાઈ, કિરણ અંબાલાલ, ભગવાન વાલ્મીકભાઈ તેમજ અ.પો.કો. ગંગારામ રૂપસભાઈ અને દેવેન્દ્રકુમાર લક્ષ્મણભાઈને મળેલી સંયુક્ત અને ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને ચોરીના બે હોન્ડા એક્ટિવા સાથે એક રીઢા તત્ત્વને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
પોલીસના સકંજામાં આવેલા આ આરોપીની ઓળખ ઉમર અબ્દુલ રહીમ અબ્દુલ રશીદ શેખ (ઉં.વ. 21) તરીકે થઈ છે, જે દાણીલીમડાના બહેરામપુરા વિસ્તારમાં રામ રહીમના ટેકરા પાસે રહે છે અને ચિકનની દુકાનમાં નોકરી કરે છે. તેની પૂછપરછમાં બહાર આવ્યું છે કે તેણે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન અને કારંજ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાંથી એક્ટિવાની ઉઠાંતરી કરી હતી. પોલીસે આરોપી પાસેથી આશરે 40,000 રૂપિયાની કિંમતના બે એક્ટિવા જપ્ત કર્યા છે. આ કામગીરીથી ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 303(2) મુજબ નોંધાયેલા બે મહત્વના ગુનાઓનો ભેદ ગણતરીના દિવસોમાં જ ઉકેલાઈ ગયો છે. તપાસમાં એ પણ ખૂલ્યું છે કે પકડાયેલ આરોપી ઉમર અબ્દુલ અગાઉ પણ વાસણા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં સંડોવાયેલો હોવાથી તેનો ગુનાહિત ઇતિહાસ રહ્યો છે.
જોકે, આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે શખ્સો, અફઝલ (રહે. ખોડિયારનગર ક્વાર્ટર્સ, બહેરામપુરા) અને અયાન (રહે. નગીના મસ્જિદ પાસે, બહેરામપુરા) હજુ પણ પોલીસ પકડથી દૂર છે, જેમને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ સમગ્ર પ્રશંસનીય કામગીરીમાં PSI જી.કે. ચાવડાની સાથે મદદનીશ સબ ઇન્સ્પેક્ટરો મયુરધ્વજસિંહ, ઇન્દ્રજીતસિંહ અને આકાશભાઈ સહિત હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલની આખી ટીમે ખંતપૂર્વક કામ કરી ગુનેગારોને પકડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ સફળ ઓપરેશનથી વાહન ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે અને પોલીસની સતર્કતા ફરી એકવાર સાબિત થઈ છે.