શું દીકરીઓ માટે અસુરક્ષિત બન્યું અમદાવાદ? એક જ અઠવાડિયામાં લવ જેહાદની ત્રણ ફરિયાદ
અમદાવાદ શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં લવ જેહાદ અને સગીરાઓને નિશાન બનાવવાની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવતા સનસનાટી મચી ગઈ છે. શહેરના વાસણા અને સોલા પોલીસ મથકે પોક્સો , છેતરપિંડી અને બ્લેકમેલિંગ હેઠળ ગુના નોંધી વિધર્મી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. વાસણા વિસ્તારમાં ત્રણ વિધર્મી યુવકોઅમીરઅલી શેખ, મોહમંદસીરાજ સલમાની અને અલ્તાબઅલી અન્સારીએ સગીર કિશોરીઓને પ્રેમજાળમાં ફસાવી હતી.
હોટલના નિયમોથી બચવા માટે આરોપીઓએ 'હોનિસ્ટા' એપ્લિકેશનનો ઉપયોગ કરી સગીરાઓના નામે ખોટી ઉંમર અને મુસ્લિમ નામવાળા બોગસ આધારકાર્ડ બનાવ્યા હતા. રિવરફ્રન્ટ પર શંકાસ્પદ હાલતમાં ઝડપાયેલા આ શખ્સો પાસેથી બુરખા પહેરેલા ફોટાવાળા નકલી આઈડી મળી આવ્યા હતા. હિન્દુ સંગઠનોની સતર્કતાને કારણે આ ભાંડો ફૂટ્યો હતો, ત્યારબાદ વાસણા પોલીસે પાંચ આરોપીઓ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે.
બીજી તરફ સોલા પોલીસ મથકે પણ લવ જેહાદ અને બ્લેકમેલિંગની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. એક 16 થી 17 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી આરોપીએ તેની સાથેના શારીરિક સંબંધના વીડિયો અને ફોટા ઉતારી લીધા હતા. સગીરાએ સંબંધ તોડવાનો પ્રયાસ કરતા આરોપી તેને બ્લેકમેલ કરતો હતો. એટલું જ નહીં, આરોપીનો મિત્ર સગીરાની જાસૂસી કરી તેના વીડિયો આરોપીને મોકલતો હતો. આ મામલે પણ હિન્દુ સંગઠનોની દરમિયાનગીરી બાદ સોલા પોલીસે ગુનો નોંધી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
વાસણા પોલીસ સ્ટેશનના PIના જણાવ્યા અનુસાર, હોટલ સંચાલકોને છેતરવા માટે સગીરાઓની ઓળખ છુપાવવી એ એક મોટું કૌભાંડ છે. પોલીસે હોટલોના ડેટા અને ટેકનિકલ પુરાવાઓના આધારે તપાસ તેજ કરી છે. શહેરમાં ટૂંકા ગાળામાં બનેલી આ ઘટનાઓને પગલે વાલીઓમાં ચિંતા ફેલાઈ છે અને પોલીસ તંત્ર દ્વારા સઘન પેટ્રોલિંગ અને તપાસના આદેશો આપવામાં આવ્યા છે.