ચેતી જજો, પ્રેમમાં આંધળા બનતા પહેલા આ કિસ્સો જરૂર વાંચજો : મોહિત પટેલ' બની અમદાવાદની યુવતીને પ્રેમજાળમાં ફસાવનાર ત્રણ સંતાનોનો પિતા ઝડપાયો...
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર ઓળખ છુપાવીને યુવતીઓને પ્રેમજાળમાં ફસાવવાનો ગંભીર કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઈ છે. ઓઢવ વિસ્તારમાં રહેતી એક નિર્દોષ યુવતીને પોતાની અસલી ઓળખથી અજાણ રાખી, હિન્દુ નામ ધારણ કરી લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરનાર આરોપી મોહસીન ખાન પઠાણની ખોખરા પોલીસે ધરપકડ કરી છે. આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં 'લવ જેહાદ' અને ઓળખ છુપાવીને થતા ગુનાઓ અંગે ગંભીર ચર્ચા જગાવી છે.
બસની મુસાફરીથી શરૂ થયેલો દગાખોરીનો ખેલ
મૂળ ગોધરાનો વતની અને અમદાવાદમાં AMTS બસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો મોહસીન ખાન અહેમદ ખાન પઠાણ છેલ્લા કેટલાય સમયથી પોતાની ઓળખ બદલીને ફરતો હતો. બસમાં મુસાફરી કરતી એક યુવતી સાથે તેણે મિત્રતા કેળવી હતી અને પોતાનું નામ 'મોહિત પટેલ' હોવાનું જણાવ્યું હતું. આરોપીએ યુવતીનો વિશ્વાસ જીતવા માટે પોતે અપરિણીત હોવાનું જૂઠું બોલ્યું હતું અને તેની સાથે લગ્ન કરવાની ખાતરી આપી હતી. યુવતી તેના પ્રેમની જાળમાં એવી ફસાઈ ગઈ કે તેને મોહિતની અસલી દાનત વિશે જરાય અંદાજો ન રહ્યો. આરોપી તેને અલગ-અલગ હોટલોમાં લઈ જતો હતો અને લગ્નના ખોટા વાયદા કરીને સતત તેનું શારીરિક શોષણ કરતો રહ્યો હતો.
નકલી આધાર કાર્ડ અને મોબાઈલે ખોલી અસલી ઓળખની પોલ
જોકે, પાપનો ઘડો લાંબો સમય અકબંધ ન રહ્યો. યુવતીને મોહિતની હિલચાલ અને વાતો પર શંકા જતા તેણે એક દિવસ યુક્તિપૂર્વક તેનો મોબાઈલ ફોન તપાસ્યો હતો. મોબાઈલમાંથી આરોપીની બહેનનો સંપર્ક થતાં જ સત્ય વીજળીની જેમ ત્રાટક્યું હતું. યુવતીને જાણવા મળ્યું કે જેને તે 'મોહિત પટેલ' સમજીને પ્રેમ કરતી હતી, તે અસલમાં મોહસીન ખાન પઠાણ છે અને તે માત્ર પરિણીત જ નથી, પરંતુ ત્રણ સંતાનોનો પિતા પણ છે.
ધમકીઓ અને પોલીસની કડક કાર્યવાહી
પોલીસ અધિકારી કૃણાલ દેસાઈ
પોલીસ અધિકારી કૃણાલ દેસાઈએ જણાવ્યું હતું કે આરોપીનું સત્ય સામે આવ્યા બાદ આરોપીએ યુવતીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસ તપાસમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી હોટલોમાં રૂમ મેળવવા માટે 'મોહિત પટેલ'ના નામનું નકલી આધાર કાર્ડ વાપરતો હતો, જેથી કોઈને તેની મુસ્લિમ હોવાની જાણ ન થાય.
ખોખરા પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લીધી છે. તેની પાસેથી નકલી આધાર કાર્ડની નકલ પણ જપ્ત કરવામાં આવી છે. હાલ પોલીસ આ મામલે ઊંડી તપાસ કરી રહી છે કે આરોપીએ અગાઉ પણ અન્ય કોઈ યુવતીઓને આ રીતે નિશાન બનાવી છે કે કેમ.