અમદાવાદના 3 લાખ ઘરોમાં LPG-PNGની 'જુગલબંધી'.... શું પુરવઠા વિભાગ કડક કાર્યવાહી કરશે?
અમદાવાદ શહેરમાં ઈંધણના વિતરણમાં ગંભીર ગેરરીતિઓ અને સુરક્ષાના નિયમોના લીરેલીરા ઉડતી વિગતો સામે આવી છે. એક તરફ સરકારના સ્પષ્ટ આદેશો હોવા છતાં, અમદાવાદના આશરે 3 લાખ જેટલા પરિવારો હજુ પણ LPG સિલિન્ડર અને PNG પાઇપલાઇન એમ બંને કનેક્શન ગેરકાયદેસર રીતે ધરાવે છે. આ સ્થિતિનો ફાયદો ઉઠાવીને કેટલાક અસામાજિક તત્વો ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી ગેસની કટકી કરી તેને કોમર્શિયલ બાટલામાં ભરી ઊંચા ભાવે વેચવાનું મસમોટું કૌભાંડ ચલાવી રહ્યા છે.
અમદાવાદના 60 થી 70 ટકા વિસ્તારોમાં PNG લાઈન પહોંચી ગઈ હોવા છતાં, 25 થી 30 ટકા ગ્રાહકોએ હજુ સુધી પોતાના LPG કનેક્શન સરેન્ડર કર્યા નથી. શહેરમાં અંદાજે 12 થી 15 લાખ ઘરેલું LPG કનેક્શન છે, જેમાંથી અઢીથી ત્રણ લાખ જોડાણો 'ડબલ' હોવાની પૂરેપૂરી શક્યતા છે. સરકારના ફરમાન છતાં પુરવઠા વિભાગ આ મામલે કોઈ નક્કર તાળો મેળવી શક્યું નથી કે આ કનેક્શન રદ કરાવી શક્યું નથી.કોમર્શિયલ ગેસની ભારે અછતનો લાભ લઈ કાળાબજારિયાઓ સક્રિય થયા છે. ઘરેલું બાટલામાંથી જોખમી રીતે ગેસ કાઢીને કોમર્શિયલ સિલિન્ડરમાં ભરવામાં આવે છે.
ઘરેલું બાટલામાંથી રિફિલ કરેલા કોમર્શિયલ બાટલાની પડતર કિંમત અંદાજે ₹1250 થાય છે, જેની સામે બ્લેકમાં ₹4500 થી ₹5000 વસૂલવામાં આવી રહ્યા છે,આ ચોરીને કારણે સામાન્ય ગ્રાહકોના ઘરે પહોંચતા સિલિન્ડરમાં ગેસનો જથ્થો ઓછો હોય છે, જેનાથી ગ્રાહકો છેતરાઈ રહ્યા છે.શહેરમાં આટલા મોટા પાયે ગેસની હેરાફેરી અને જોખમી રિફિલિંગ થતું હોવા છતાં પુરવઠા વિભાગ મૂકપ્રેક્ષક બનીને બેઠું હોય તેમ જણાય છે. ગેરકાયદે રિફિલિંગથી ગમે ત્યારે મોટી આગની દુર્ઘટના સર્જાઈ શકે છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કડક તપાસ કે દરોડા પાડવામાં આવતા નથી તે ચિંતાનો વિષય છે.