લો બોલો! ખાખીનો જરાય ડર નહીં? અમદાવાદમાં માફી માંગીને છૂટેલા શખ્સે પોલીસકર્મી પર કર્યો હુમલો, પોલીસે આરોપીની ધરપકડ કરી...
અમદાવાદ શહેરના મેમ્કો વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલિયા ચિહ્ન ઊભું કરતી એક અત્યંત આઘાતજનક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલ પર અસામાજિક તત્વો દ્વારા સરેઆમ હુમલો કરવામાં આવ્યો છે. શહેરના મેઘાણીનગર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડમાં કાર્યરત કોન્સ્ટેબલ જયેશ વસાવા પર જૂની અદાવત રાખીને જીતેન્દ્રસિંહ જાડેજા નામના શખ્સે લાકડી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટના માત્ર વ્યક્તિગત હુમલો નથી, પરંતુ રક્ષક પર થયેલો પ્રહાર છે જે દર્શાવે છે કે ગુનેગારોના મનમાંથી પોલીસનો ડર જાણે સાવ ખતમ થઈ ગયો છે. આ મામલે શહેરકોટડા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
આ સમગ્ર વિવાદની શરૂઆત 6 એપ્રિલના રોજ થઈ હતી, જ્યારે મેઘાણીનગરના મંગલ પાંડે હોલ પાસે આવેલા ગાર્ડનમાં અસામાજિક તત્વો દ્વારા ફેલાવવામાં આવતા ત્રાસની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ ફરિયાદોની તપાસ કરવા અને ગાર્ડનમાં શાંતિ જાળવવાના હેતુથી કોન્સ્ટેબલ જયેશ વસાવા ત્યાં પહોંચ્યા હતા. તપાસ દરમિયાન ગાર્ડનમાં બેઠેલા જીતેન્દ્રસિંહ જાડેજાની પૂછપરછ કરવામાં આવતા તેણે પોલીસ સાથે ઉગ્ર દાદાગીરી કરી હતી અને પોતાની સત્તાનો રુઆબ બતાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તે સમયે પરિસ્થિતિ થાળે પાડવા માટે આરોપીએ માફી માંગી લીધી હતી, પરંતુ તેના મનમાં પોલીસ પ્રત્યેનો આક્રોશ અને નફરત સતત સળગી રહી હતી, જેનો ભયાનક અંત બીજા જ દિવસે જોવા મળ્યો હતો.
બીજા દિવસે એટલે કે 7 એપ્રિલની રાત્રે, જ્યારે કોન્સ્ટેબલ જયેશ વસાવા પોતાની નોકરી પૂર્ણ કરીને ઘરે જઈ રહ્યા હતા, ત્યારે આ આયોજિત હુમલો કરવામાં આવ્યો હતો. તેઓ મેમ્કો વિસ્તારમાં રાત્રિના ભોજનનું પાર્સલ લેવા માટે ઉભા રહ્યા હતા, ત્યારે જ ઘાત લગાવીને બેઠેલો આરોપી જીતેન્દ્રસિંહ લાકડી સાથે ધસી આવ્યો હતો. આરોપીએ "ગઈકાલે ગાર્ડનમાં બહુ ચરબી કરતો હતો, આજે તને પતાવી દેવો છે" તેવા શબ્દો સાથે કોન્સ્ટેબલ પર હુમલો કર્યો હતો. હુમલાખોરે માત્ર શારીરિક ઈજા જ પહોંચાડી નહોતી, પરંતુ જયેશ વસાવા વિરુદ્ધ અત્યંત અભદ્ર અને જાતિવાચક શબ્દો બોલીને તેમનું અપમાન પણ કર્યું હતું. માથાના ભાગે લાકડીના સજ્જડ ફટકા વાગવાને કારણે કોન્સ્ટેબલ ઇજાગ્ર્સ્ત હાલતમાં ફસડાઈ પડ્યા હતા.
આ ગંભીર હુમલાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી આવ્યા હતા. પોલીસ પરના આ હુમલાને કાયદાના શાસન માટે પડકાર ગણીને શહેરકોટડા પોલીસે ત્વરિત એક્શન લીધા હતા અને આરોપી જીતેન્દ્રસિંહ જાડેજાની અટકાયત કરી લીધી છે. પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ આ સંવેદનશીલ કેસની ઊંડાણપૂર્વકની તપાસ એસસી-એસટી (SC/ST) સેલને સોંપવામાં આવી છે, જેથી આ પ્રકરણના મૂળ સુધી પહોંચી શકાય અને ગુનેગારને કડકમાં કડક સજા અપાવી શકાય.