અમદાવાદમાં કાળજું કંપાવતી ઘટના : પતિના ત્રાસ અને ડિવોર્સની ધમકીથી હારી ગયેલી પરિણીતાએ છઠ્ઠા માળેથી ઝંપલાવી જીવન ટૂંકાવ્યું, નોંધાઈ ફરિયાદ
અમદાવાદના હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે, જેમાં પતિના અસહ્ય માનસિક ત્રાસ અને છૂટાછેડાની સતત મળતી ધમકીઓથી કંટાળીને એક પરિણીતાએ મોતની છલાંગ લગાવી દીધી છે. શહેરના નવા વાડજ વિસ્તારમાં બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચી દીધી છે. લગ્નના દોઢ દાયકા જેટલો સમય વીત્યા બાદ પણ પતિના વર્તનમાં કોઈ સુધારો ન આવતા અને સતત મળતા શારીરિક-માનસિક ટોર્ચરના કારણે આખરે એક હસતા-રમતા પરિવારે પોતાની દીકરી ગુમાવવાનો વારો આવ્યો છે. આ કિસ્સો 20 માર્ચના રોજ બન્યો હતો, પરંતુ આઘાતમાં સરી પડેલા મૃતકનાં ભાઈએ અંતિમ વિધિ પૂર્ણ કર્યા બાદ હવે હિંમત એકઠી કરીને ન્યાયની લડાઈ શરૂ કરી છે, જેના પગલે આ આખો મામલો પોલીસ ચોપડે ચઢ્યો છે.
પતિના ત્રાસ અને ડિવોર્સની ધમકીથી હારી ગઈ પત્ની
ઘટનાની વિગતો તપાસતા જાણવા મળે છે કે મૃતક રીનાબહેન (નામ બદલ્યું છે)ના લગ્ન 15 વર્ષ પૂર્વે રાજસ્થાનના ચિત્તોડગઢ ખાતે રહેતા વિપુલ શર્મા સાથે થયા હતા. સુખી સંસારની આશાએ સાસરે ગયેલી રીનાને લગ્નના શરૂઆતના દિવસોથી જ પતિના ઉદ્ધત સ્વભાવ અને અત્યાચારનો સામનો કરવો પડ્યો હતો. સંતાનમાં એક પુત્ર હોવા છતાં પણ પતિના ત્રાસમાં કોઈ ઘટાડો થયો ન હતો. વર્ષો સુધી સામાજિક મર્યાદા અને ઘર તૂટી ન જાય તેવા ડરથી રીના બધું સહન કરતી રહી, પરંતુ નવેમ્બર-2025માં તેની સહનશક્તિ ખૂટી ગઈ હતી. સતત મળતા ત્રાસને કારણે તેની માનસિક સ્થિતિ ગંભીર રીતે કથળી ગઈ હતી, જેથી તેને સારવાર માટે અમદાવાદ પિયર ખાતે લાવવામાં આવી હતી. અહીં તેના પિયર પક્ષના સભ્યોએ સાયકોલોજિસ્ટ પાસે તેની લાંબી સારવાર શરૂ કરાવી હતી જેથી તે ફરી સામાન્ય જીવન જીવી શકે.
જોકે, આ કપરા સમયમાં પત્નીને સાથ આપવાને બદલે પાષાણહૃદયી પતિએ અમદાવાદ આવીને પણ રીનાને પોતાની સાથે ન રાખવાની અને ટૂંક સમયમાં ડિવોર્સ આપી દેવાની ધમકીઓ આપીને તેને વધુ માનસિક ભીંસમાં મૂકી દીધી હતી. 19 માર્ચના રોજ રાત્રે ફરી એકવાર પતિ વિપુલ શર્માએ ફોન પર ડિવોર્સ લેવા મુદ્દે ભારે દબાણ કર્યું અને ધમકાવી હતી, જેના કારણે રીના સંપૂર્ણપણે ભાંગી પડી હતી. આ માનસિક આઘાત સહન ન થતા બીજે દિવસે એટલે કે 20 માર્ચની સવારે રીનાએ બિલ્ડિંગના છઠ્ઠા માળેથી પડતું મૂકી દીધું હતું. લોહીલુહાણ હાલતમાં તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ વિધાતાને કંઈક અલગ જ મંજૂર હતું; ટૂંકી સારવારના અંતે તેણે દમ તોડી દીધો હતો.
પોલીસની કાર્યવાહી
હાલમાં મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે આરોપી પતિ વિરુદ્ધ આત્મહત્યા માટે મજબૂર કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.